શાળા પ્રવેશોત્સવનો 20 મો તબક્કો 12 થી 14 જૂન દરમ્યાન યોજાશે, બોર્ડર વિલેજ-સરહદી ગામોની શાળાઓમાં અપાશે વિશેષ ધ્યાન
બાળકોના શાળા પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા કામગીર કરી રહી છે. ત્યારે બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ-પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા કામગીરી હાથ ધરાશે.

Gujarat: દર વર્ષની જેમાં આ વર્ષે પણ સુસંગત શાળા પ્રવેશોત્સવ 2023 (School Entrance Festival 2023) ના આયોજનને આખરી ઓપ અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ-ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ની ભલામણો મુજબ આ વર્ષે પ્રથમવાર 5 થી 6 વર્ષ સુધીની વયના બાળકો બાલવાટિકામાં પ્રવેશ અપાશે. શાળા પ્રવેશોત્સવ પહેલાં જ શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું સફળ આયોજન પૂર્ણ કરાયું છે. ધોરણ 1 થી 12ના 4.65 કરોડ પુસ્તકો-બાલવાટિકાની કુલ 11.67 લાખ બૂક્સ પહોંચાડી દેવામાં આવી છે.
શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો હેતુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા 20 માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યુ છે કે બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો 20 મો તબક્કો આગામી 12 થી 14 જૂન 2023 દરમ્યાન યોજાવાનો છે.
શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી
ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, સાંસદ તથા પદાધિકારીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યના દરેક ગામ એક સરખી રીતે વિકાસ પામે અને પ્રાથમિક શિક્ષણની જ્યોત છેવાડાના બોર્ડર વિલેજ સુધી પ્રસરે તેવી નેમ સાથે વડાપ્રધાનના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરવા પ્રેરક આહવાન કર્યુ મુખ્ય મંત્રીએ કર્યું હતું.
આ પણ વાંચો : PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video
ખાસ કરીને પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર કે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સમિતીની રચના પણ કરવામાં આવશે. જેમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ, પોલીસ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના વર્ગ-1 ના અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં વિવિધ ગામોની શાળાઓમાં સહભાગી થવાના છે.