વિશ્વ સિંહ દિવસ: 7 જિલ્લાના 15 લાખ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી, સિંહના સંરક્ષણ માટેના શપથ લેવડાવાયા, CM ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન જોડાયા
જૂનાગઢની (Junagadh) ખાંભળીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિંહોના માસ્ક પહેરી રેલી યોજી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) છે. ત્યારે જૂનાગઢમાં વનવિભાગે અલગ અલગ કાર્યક્રમ યોજી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી છે. જેમાં 7 જિલ્લાના 15 લાખ વિદ્યાર્થીઓ ઉજવણીમાં જોડાયા. જૂનાગઢની (Junagadh) ખાંભળીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિંહોના માસ્ક પહેરી રેલી યોજી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તો સાથે જ સાસણ ગીર અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 6800 શાળા ઉજવણીમાં જોડાઈ. તેમજ વન વિભાગે સિંહની જાળવણી કેવી રીતે કરવી અને સંવર્ધન માટેની એક ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવી હતી. તેમજ વિદ્યાર્થીઓ પાસે સિંહના સંરક્ષણ માટે શપથ લેવડાવ્યા હતા. વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં દરેક જિલ્લાના વનવિભાગના અધિકારીઓ જોડાયા હતા.
15 વર્ષમાં એશિયાટિક સિંહોમાં 88 ટકાનો વધારો
વિશ્વ વિખ્યાત ગીરના સિંહોની ઝલક માટે દેશ વિદેશથી પર્યટકો રાજ્યમાં આવતા હોય છે. છેલ્લા 15 વર્ષમાં એશિયાટિક સિંહોમાં 88 ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુબ 2005માં સિંહોની સંખ્યા 360 પર હતી, જ્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે સિંહોની સંખ્યા 674 પર પહોંચી છે. હજુ સિંહોની વસ્તી વધી રહી છે અને વધુમાં વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં અને હવે ગામડાઓમાં પણ દરરોજ જોવા મળી રહ્યા છે. ત્યારે એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડેની ઉજવણી 2016થી કરવામાં આવેલી છે.
સિંહ સંરક્ષણ માટે અનેક યોજનાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીના અવસરને ગૌરવ અને લાગણીનો દિવસ હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી આ ઉજવણીમા સહભાગી થતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે. એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનોની સુવિધા કરવામાં આવી છે. સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથેની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે.
મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવેલી હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ જણાવ્યુ હતુ કે, વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે
મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે, આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરફ પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. વડાપ્રધાનના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.