PM Modi Gujarat Visit : પીએમ મોદી 10 ઓક્ટોબરે જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ
પીએમ મોદી(PM Modi) ફરી એકવાર ગુજરાતની(Gujarat) મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર(Jamnagar) ખાતે સૌની યોજના(Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે.
પીએમ મોદી(PM Modi) ફરી એકવાર ગુજરાતની(Gujarat) મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર(Jamnagar) ખાતે સૌની યોજના(Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. જેમાં સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઇ માટેનું પાણી મળી રહે અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો પહોંચાડવાની વડાપ્રધાન મોદીએ નેમ લીધી હતી, અને આ નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત આજે એક ડગલું આગળ વધ્યું છે.
સૌની યોજનાનો બીજો તબક્કો
સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.
સૌની યોજનાનો ત્રીજો તબક્કો
સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2, રાજકોટ જિલ્લાના 2, પોરબંદરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 6 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે.
રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી
જેનાથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજિત 26 ગામોના 25,736 એકર વિસ્તારમાં, જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર તથા જામનગર તાલુકાના અંદાજિત 20 ગામોના 16,471 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અંદાજિત 30 ગામોના 22,769 એકર વિસ્તારમાં તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અંદાજિત 10 ગામોના 6991 એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે. આમ, એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓ પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, સૌની યોજનાનો મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે. હંમેશાં પ્રજાના હિતમાં ચિંતન, મનન કરતી અને મજબૂત પગલાં લેતી સરકાર દ્વારા સૌની યોજનાના આ તબક્કાનું લોકાર્પણ એ વિકાસની દિશામાં એક સફળ પ્રયાણ છે.