Jamnagar : વસઈ ગામના બાળ કલાકારે પ્રથમ ફિલ્મમાં મેળવી મોટી સફળતા, જાણો છેલ્લા શોના આ બાળ કલાકારની રસપ્રદ કહાની
ગુજરાતી ફિલ્મ છેલ્લા શો માટે જામનગરના ભાવિન રબારીની પસંદગી કરલામાં આવી હતી. આ તેની પ્રથમ ફિલ્મ છે. છેલ્લો શોની ભવ્ય સફળતાથી ભાવિન અને તેના પરીવારે ખુશી અને ગર્વ વ્યકત કર્યુ.

Jamnagar : 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની (National Film Awards) જાહેરાત થઈ. જેમાં ત્રણ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યુ છે. જેમાં બેસ્ટ ફિલ્મ છેલ્લો શો અને બેસ્ટ બાળ કલાકારમાં તે ફિલ્મમાં લીડ રોલ કરનાર જામનગર નજીક આવેલ વસઈ ગામના બાળ કલાકાર ભાવિન આલા રબારીને મળ્યો છે.
આ પણ વાંચો Jamnagar : લો બોલો, 13 ને બદલે માત્ર 4 કર્મચારીથી જ ચાલે છે જામનગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી
ફિલ્મ છેલ્લો શો બાળ કલાકારનો પ્રથમ શો(ફિલ્મ)
છેલ્લો શો ગુજરાતી ફિલ્મમાં પાંચ બાળકોની ટોળકી પરની વાર્તા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં બાળપણ અંગેના દ્રશ્યો તેમાં જોવા મળે છે. તે માટે ગ્રામ્ય વિસ્તારોના બાળકોની શોધ ફિલ્મના નિર્માતાએ કરી હતી. જેમાં ભાવિન રબારીની પસંદગી કરી હતી. આ તેની પ્રથમ ફિલ્મ છે. છેલ્લો શોની મોટી સફળતાથી ભાવિન અને તેના પરીવારે ખુશી અને ગર્વ વ્યકત કર્યુ.
છેલ્લો શો ફિલ્મમાં 5 પૈકી 3 બાળકો જામનગરના
છેલ્લો શો ફિલ્મના નિર્માતા નલિન પેન જે મુળ અમરેલીના ધારી વિસ્તારના છે. નાનપણથી ફિલ્મ અંગેનો લગાવ હોવાથી તે ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. પરંતુ પોતાનું બાળપણ ભુલ્યા નથી. તેમણે જે છેલ્લો શો ફિલ્મ બનાવી તે પોતાના બાળપણના જીવન પર આધારીત છે. તે માટે પાંચ બાળકોની ટોળકી પર ફિલ્મની વાર્તા હોવાથી પાત્ર માટે ગ્રામ્ય વિસ્તારના બાળકોની પસંદગી કરવા માંગતા હતા. તેથી વિવિધ જીલ્લામાં તેની શોધ કરી હતી.
જામનગરમાં નાટકીય ક્ષેત્રે મોટું યોગદાન આપનાર લલીત જોષીના સંપર્કમાં ફિલ્મના નિર્માતાઓ આવ્યા અને આવા પાત્ર માટે મદદ માંગી. ત્યારે નાટકની તાલીમ મેળવે કે ડાયલોગ ગોખીને બોલનાર કલાકાર નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારના હોય તેવા પાત્ર ઈચ્છતા હોય તેથી જામનગર, હાપા, રાવલસર, વસઈ, લાખાબાવડ સહિતના વિસ્તારોમાં બાળકોની શોધ કરી. ત્યારે રાવલસરની ચંદરિયા ફાઉન્ડેશનની શાળામાં ધોરણ 5મા અભ્યાસ કરતો ભાવિન રબારી, હાપાની સરકારી શાળામાં અભ્યાસ કરતો રાહુલ બાવરી અને જામનગરની પાર્વતીદેવી શાળામાં સીદી બાદશાહ સુબાનની પસંદગી થઈ.
3 હજારથી વધુ બાળકોના ઓડીશન લેવાયા તેમાંથી 5 બાળકોની પસંદગી થઈ
પાંચ બાળકોની ટોળકીના પાત્ર માટે 3000 જેટલા બાળકોના ઓડીશન રાજયભરમાંથી લેવાયા હતા, તે પૈકી 10 બાળકોને 2 દિવસની તાલીમ આપવામાં આવી. જેમાંથી પાંચ બાળકોને પસંદ કરાયા. જેમાં ભાવિન રબારીનો આત્મવિશ્વાસ, બોલવાની છટા, ચહેરા પર માસુમિયત જોઈને પેન નલિને પોતાના બાળપણની યાદ તાજી કરી અને ભાવિન રબારીને લીડ રોલ તરીકેની પસંદગી કરી.
જામનગરના રાહુલ બાવરીનો છેલ્લો શો ફિલ્મ જીવનનો છેલ્લો શો બન્યો
જામનગરના હાપા રેલ્વે સ્ટેશન નજીક રહેતા રીક્ષા ચાલકના પુત્ર રાહુલે પાંચ ટોળકીમાં પાત્ર ભજવ્યુ છે અને ફિલ્મ છેલ્લો શો તેના જીવનો છેલ્લો શો બની ગયો. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા બીમારીથી તેનું મોત થયું હતું.
ફિલ્મમાં સ્થાન મળતા બધા સપના પુરા થયા : ભાવિન રબારી
ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, નાનપણમાં તેના પિતાને પોતાની ઈચ્છા જણાવી હતી કે એક વખત તેને તારક મહેતાનો સેટ જોવા જવું છે. ત્યારે પિતાએ કહ્યું કે ભણવામાં ધ્યાન આપ, તુ મોટો થાય ત્યારે જઈશું. પરંતુ ફિલ્મમાં કામ મળ્યું અને નામ પણ મળ્યું. જેને મળવા ઈચ્છતો હતો. તેના એપિસોડમાં જવાની તક મળી. આ ઉપરાંત બીગ બોસમાં જવાની તક મળી. સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, દિપીકા પાદુકોણ અને ક્રિકેટર પ્રેરણાસ્તોત્ર હાર્દિક પંડયાને મળીને ખુશી થઈ. આ ફિલ્મમાાં સ્થાન મળતા સપના પુરા થયા.
પરિવાર પહેલા બહાર મોકલવા તૈયાર નહોતા
ભાવિન રબારીની પસંદગી થઈ ત્યારે અમરેલી જવાનું થયું અને બાદમાં વિદેશ જવાનું થયું તો પરિવારજનો ધોરણ 5માં અભ્યાસ કરનાર બાળક ભાવિનને બહાર એકલો મોકલવા માટે સહમત ન હતા, પરંતુ બાળકની ખુશી માટે મન મક્કમ કરીને મોકલવા માટે રાજી થયા. તેથી ભાવિન પોતાની સફળતા માટે પોતાના પરિવારજનો, તેના શિક્ષક, લલીત જોશી, અને નલિન પેન અને તેની ફિલ્મમાં કામ કરનાર ચલાલાની લાલા ગૈંગને શ્રેય આપે છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો