Jamnagar: આયુર્વેદ અંગે જાગૃતિ માટે મિલેટ્સ આધારિત શ્રીધાન્ય મેળાનું આયોજન, મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ
મેળામાં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ , પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો-વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, પણ કરવામાં આવશે.
જામનગર ખાતે સૌ પ્રથમ વખત આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આયુર્વેદ થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ “સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો –2023”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો આજથી 21 માર્ચ સુધી ચાલશે. ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળો સવારે 10 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. સાંસદ પૂનમબેન માડમ દ્રારા એકસોને ખુલ્લો મુકવામાં આવ્યો. ચાર દિવસીય મેળામાં અંદાજે 1 લાખ લોકો મુલાકાત લેશે.
મેળામાં વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સુવિધા
આ મેળામાં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ , પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો-વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું માર્ગદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિલેટ્સના ઉપયોગ થકી સ્વાસ્થ્ય ઉત્થાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘને પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે સંદર્ભે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને ઈન્ટરનેશલ યર ઓફ મિલેટ્સ જાહેર કર્યું છે અને સમગ્ર વિશ્વમાં હાલ તેની ઉજવણી થઇ રહી છે.
આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર દ્વારા આ બાબતને અનુમોદન આપવા અર્થે “હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-2023″નું આયોજન કર્યું છે. હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-2023 એ આયુર્વેદ અને મિલેટ્સ થકી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીમાં આ સૌ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે.
આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ઘરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નીવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
મિલેટ્સ-જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકાય છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી 86 વાનગીને મુલાકાતીઓ માટે રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત 80 જેટલી પેકેટ ફૂડ આઈટમ પણ મિલેટ્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી છે.