Jamnagar : સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને રાશન ન મળતુ હોવાની ફરિયાદ, વસ્તી મુજબ રાશનની દુકાનો વધારવા માગ
Jamnagar: શહેરમાં વસ્તી અનુસાર સસ્તા અનાજની દુકાનો વધારવાની માગ મહિલાઓએ કરી છે. સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને રાશન ન મળતુ હોવાની ફરિયાદ ઉઠી છે. મહિલાઓએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી.

જામનગર શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરીકોએ સસ્તા અનાજની દુકાનમાં રાશન માટે પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી. સસ્તા અનાજની દુકાનમાં સરકાર દ્રારા આપવામાં આવતુ અનાજ ના અપાતુ હોવાનુ લેખીત રજુઆત મહિલાઓ અને સ્થાનિકોએ કરી. મોટી સંખ્યામાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને સ્થાનિકો જીલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરી.
જામનગર મહાનગર પાલિકાની હદ વધી, વસ્તી વધી પરંતુ સસ્તા અનાજની દુકાનો વધી નથી. તેથી વસ્તી મુજબ વધુ સસ્તા અનાજની દુકાનો ફાળવવાની માંગ ઉઠી છે. એક જ દુકાનોમાં વધુ લાભાર્થીઓ હોવાથી દરેકને સમયસર પુરતો અનાજનો જથ્થો ન મળતો હોવાની ફરીયાદ સ્થાનિકોએ તંત્રને કરી. સરકાર તરફથી મળતા અનાજના જથ્થાનો લાભ મેળવવા માટે દૂર-દૂર સુધી જવું પડતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
જામનગરમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા લોકોને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર એટલે કે સસ્તા અનાજની દુકાન ઉપરથી રેશન કાર્ડનો માલ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. આ અંગે જામનગર જિલ્લા પુરવઠા અધિકારી કચેરી માંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં કુલ 1,99,474 રેશનકાર્ડ નોંધાયેલા છે જેમાં બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યા 29,872 છે.જ્યારે અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા 11,217 છે. જ્યારે એપીએલ કાર્ડ ની સંખ્યા 1.58,385 ની છે દિન પ્રતિદિન રેશનકાર્ડ ધારકોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.
બીજી તરફ જે સસ્તા અનાજની દુકાનો હતી તેમાં કોઈ વધારો ઘણા લાંબા સમયથી કરવામાં આવ્યો નથી વધુમાં અનેક સંસ્તા અનાજની દુકાનો બંધ પણ થઈ છે. શહેરમાં સરકાર માન્ય સસ્તા અનાજની 85 દુકાનો આવેલી છે. તેમાં વધારો કરવા માટે વર્ષ 2017 માં વધુ 18 દુકાનો અંગેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હતી પરંતુ આ દરખાસ્ત માં મંજૂરી સરકાર તરફથી મળેલ ન હોય જેથી હાલમાં તો 85 દુકાનો દ્વારા જ લોકોને રેશનનો જથ્થો વિતરણ થઈ રહ્યો છે .
હાલમાં તો સરકારનો રેશન કાર્ડ ઉપર નો અનાજ સહિતનો જથ્થો લેવા માટે લોકોને બે થી ત્રણ કિલોમીટર દૂર જવું પડતા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.
આમ જોઈએ તો, જામનગરમાં સસ્તા અનાજ ની દુકાનોમાં ઘટાડો થઈ ગયો છે ત્યારે બીજી તરફ રેશનકાર્ડ ધારકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે સરકારના નવા નીતિ નિયમ મુજબ એક રેશન સસ્તા અનાજની દુકાન માટેનો રેશનકાર્ડ નો જથ્થો જે જાહેર કરવામાં આવ્યો છે તેના કરતાં વધારે ગ્રાહકો એક રેશનકાર્ડની દુકાન ઉપર નોંધાયેલા પણ જોવા મળી રહ્યા છે આમ દુકાનો ઉપર પણ ભારણ ગ્રાહકોનું વધતું જાય છે ત્યારે સરકાર નવી પોલીસી જાહેર કરી અને સસ્તા અનાજની દુકાનોમાં વ્યાપ વધારવામાં આવે તે જરૂરી છે.