સૈનિક સ્કૂલ જામનગરમાં પ્રવેશ માટે ઑનલાઇન મંગાવવામાં આવી અરજીઓ, જાણો વિગત અને ક્યાં કરશો અરજી
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. જાણો ક્યાં અરજી કરવી પડશે આ માટે.
મહામારીના કારણે લગભગ એક વર્ષ કરતાં વધારે સમયના અંતરાલ સુધી વિદ્યાર્થીઓ સામાન્ય દૈનિક શાળાઓથી દૂર રહ્યાં છે પરંતુ હવે ધીમે ધીમે ફરી જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ પણ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે.
અગાઉના વર્ષની જેમ, આ વર્ષે પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. બાલાચડી સૈનિક સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પ્રવેશની પ્રક્રિયા 27 સપ્ટેમ્બર 2021થી 26 ઓક્ટોબર 2021 દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન ચાલી રહી છે.
જણાવી દઈએ કે 09 જાન્યુઆરી 2022 (રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. જો તમે અરજી કરવા માંગતા હોવ તો ઑનલાઇન અરજી કરી શકો છો. ઑનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી માટે રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.in અને સ્કૂલની વેબાસાઇટ https://www.ssbalachadi.org/ ની મુલાકાત લઇ શકે છે.
તમને એ પણ જણાવી દઈએ કે ધોરણ 6 (છોકરાઓ અને છોકરીઓ) અને ધોરણ 9 (ફક્ત છોકરાઓ) માટે પ્રવેશ ચાલુ છે. ધોરણ 6 માટે, લેખિત પરીક્ષાનો સમયગાળો 150 મિનિટ રહેશે અને ધોરણ 9 માટે આ સમયગાળો 180 મિનિટનો છે. ગુજરાતમાં ત્રણ અલગ અલગ કેન્દ્રો એટલે કે, અમદાવાદ, બાલાચડી અને સુરતમાં આ પરીક્ષા લેવાશે.
ધોરણ 6 માં પ્રવેશ માટે, લેખિત પરીક્ષામાં ગણિત, બૌદ્ધિકતા, ભાષા અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો શામેલ રહેશે અને ધોરણે 9 ની પરીક્ષામાં ગણિત, બૌદ્ધિકતા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના વિષયો આધારિત પ્રશ્નો શામેલ રહેશે.
આ પણ વાંચો: શું ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાને મળશે મંજૂરી? અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ સરકારને કરી રજૂઆત
આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટના સ્નિફર ડોગ્સ વય નિવૃત થતાં યોજાયો ભવ્ય વિદાય સમારોહ યોજાયો, જાણો આ ડોગ્સની ખાસિયત