વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારત-ઇઝરાયલ સંબંધો સુદ્રઢ થયા છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ ર૦રરમાં ઇઝરાયલ સહભાગી થાય તેવું નિમંત્રણ આપતાં અગાઉની વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલના પ્રતિનિધિમંડળોની મુલાકાત તેમજ પૂર્વ વડાપ્રધાન નેતન્યાહૂની ગુજરાતની સફળ મુલાકાતની સ્મૃતિ તાજી કરી હતી.

વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારત-ઇઝરાયલ સંબંધો સુદ્રઢ થયા છે: મુખ્યમંત્રી
India-Israel relations strengthened during PM Modi's tenure: CM
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 05, 2021 | 3:54 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં લીધી હતી.ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સીસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી હતી.

કોબ્બી શોષાનીએ ખાસ કરીને વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીમાં ઇઝરાયલ વર્લ્ડ લીડર છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રીને જણાવ્યું કે ઇઝરાયલ ગુજરાત કો-ઓપરેશન, કો-ઓર્ડીનેશન અને મિચ્યુઅલ પાર્ટનરશીપથી આગળ વધી શકે તેમ છે.તેમણે કોરોનાના કપરાકાળમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને વેક્સિન પહોચાડવાનો જે માનવતાવાદી અને બંધુત્વ ભાવ પ્રેરિત પ્રયોગ કર્યો છે તેની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલેટ જનરલની ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ-ભારતના સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ જળવ્યવસ્થાપન-વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીની ઇઝરાયલની એકસપર્ટીઝનો ગુજરાતને લાભ મળે તે માટેની તત્પરતા પણ દર્શાવી હતી.ભૂપેન્દ્ર પટેલે આઇ-ક્રિયેટના સેન્ટર ઓફ એકસલન્સ, વેજિટેબલ અને ખારેક-ખજૂર માટેના રિસર્ચ અને સેન્ટર ઓફ એકસલન્સમાં ઇઝરાયલનો જે સહયોગ મળ્યો છે તેમજ ડિસેલીનેશન પ્લાન્ટસની ઇઝરાયલ પેટ્રનનો લાભ પણ ગુજરાતને મળ્યો છે તે માટે આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં એમ પણ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખીને કઇ રીતે વિકાસ સાધી શકાય તેનું દર્શન સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રથી દુનિયાને કરાવ્યું છે.વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કર્યુ છે તેની અવશ્ય મુલાકાત લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને આગ્રહ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ ર૦રરમાં ઇઝરાયલ સહભાગી થાય તેવું નિમંત્રણ આપતાં અગાઉની વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલના પ્રતિનિધિમંડળોની મુલાકાત તેમજ પૂર્વ વડાપ્રધાન નેતન્યાહૂની ગુજરાતની સફળ મુલાકાતની સ્મૃતિ તાજી કરી હતી.આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati