ખેડૂતો માટે મહત્વના સમાચાર : મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતો પોતાની સુવિધા મુજબ સ્માર્ટફોન અને 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઈલ એપ મારફતે પણ જાતે નોંધણી કરી શકશે.

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખરીફ સિઝન 2026-27 દરમિયાન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર, 2026 સુધી ટેકાના ભાવ માટે નોંધણી કરાવી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતો પોતાની સુવિધા મુજબ સ્માર્ટફોન અને ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઈલ એપ મારફતે પણ જાતે નોંધણી કરી શકશે.
કયા પાક માટે કેટલો ટેકાનો ભાવ?
ખરીફ સિઝન 2026-27 માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ મુજબ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
| પાક | ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ |
|---|---|
| મગફળી | ₹7,517 |
| મગ | ₹8,780 |
| અડદ | ₹8,200 |
| સોયાબીન | ₹5,708 |
આ ખરીદી ‘પી.એમ. આશા’ (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ કરવામાં આવશે. યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાકના ભાવમાં આર્થિક રક્ષણ પૂરું પાડવાનો છે.
ખેડૂતો બે રીતે કરાવી શકશે નોંધણી
ખેડૂતોને નોંધણી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પમાં ખેડૂત પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને નોંધણી કરી શકશે અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને જાતે નોંધણી કરાવી શકશે.
બીજા વિકલ્પમાં ખેડૂત પોતાના ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર અથવા ગ્રામસેવકનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકશે.
ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા
જે ખેડૂતો પાસે ફાર્મર્સ રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર આઈડી છે, તેમની ઈ-ગ્રામ કેન્દ્ર પર VCE/VLE મારફતે આધાર ઓથેન્ટિકેશન દ્વારા વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે.
નોંધણી દરમિયાન ફાર્મર્સ રજીસ્ટ્રેશનમાં આવરી લેવાયેલા સર્વે નંબરના વિસ્તારને ધ્યાનમાં લેવામાં આવશે. તેથી ખેડૂતોને તેમના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
બેંક ખાતું આધાર સાથે લિંક કરાવવું જરૂરી
ટેકાના ભાવે વેચવામાં આવેલી ખેત જણસીઓની રકમ ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT મારફતે સીધી જમા કરવામાં આવશે. તેથી ખેડૂતોને પોતાના બેંક ખાતાને આધાર સાથે સીડ કરાવીને એક્ટિવ રાખવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી પાકની ચુકવણીમાં કોઈ વિલંબ ન થાય.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવીને ટેકાના ભાવની યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
