આગામી છ દિવસ ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં કેવો પડશે વરસાદ
હવામાન વિભાગે આગામી 6 દિવસમાં દેશભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ ખૂબ જ સક્રિય છે અને દેશના ઘણા રાજ્યોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

ભારતીય હવામાન વિભાગે, વરસાદ પડવાની આગાહી કરતા જણાવ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય છે. સમગ્ર દેશમાં આગામી એક સપ્તાહ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને, પૂર્વ અને મધ્ય ભારતમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 7 જુલાઈ દરમિયાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ વરસાદ પડશે.
જાણો ક્યાં કેવો પડશે વરસાદ
- 2 થી 5 જુલાઈ દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઝારખંડ, ઓડિશામાં ભારે વરસાદ પડશે.
- 5 થી 7 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
- 2 અને 3 જુલાઈ દરમિયાન ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદ પડશે.
ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
- 2 થી 7 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
- 5 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશ, 5 થી 7 જુલાઈ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદ પડશે.
- 2 થી 4 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 2 થી 5 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.
- 2 જુલાઈના રોજ ઉત્તરાખંડ, 6 અને 7 જુલાઈના રોજ પંજાબ, 2 થી 7 જુલાઈના રોજ હરિયાણા, 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ અને 4 જુલાઈ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી 6 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, ગુજરાત પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
2 જુલાઈના રોજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં, 2 થી 5 જુલાઈના રોજ તેલંગાણામાં, 2 થી 7 જુલાઈ દરમિયાન કેરળમાં, 2 થી 7 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અને 3 થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.