Gujarat Rain Breaking News : અમદાવાદ સહિત 8 જિલ્લામાં 31 જુલાઈએ રેડ એલર્ટને લઈને SEOCમાં યોજાઈ હાઈ લેવલ બેઠક, તમામ વિભાગોને તાત્કાલિક એક્શન માટે તૈયાર રહેવા સૂચના
રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો, મશીનરી અને ટીમોનું મેપિંગ કરીને કોઈપણ ઈમરજન્સીમાં તરત કાર્યવાહી કરી શકાય તે માટે તૈયાર રહેવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરો સાથે સંકલન વધારવા અને મેદાનમાં તૈનાત ટીમોને સક્રિય રાખવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આગામી 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોની ચોમાસા પૂર્વેની અને વરસાદ દરમિયાનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
તમામ વિભાગોને તાત્કાલિક તૈયાર રહેવા સૂચના
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો, મશીનરી અને ટીમોનું મેપિંગ કરીને કોઈપણ ઈમરજન્સીમાં તરત કાર્યવાહી કરી શકાય તે માટે તૈયાર રહેવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરો સાથે સંકલન વધારવા અને મેદાનમાં તૈનાત ટીમોને સક્રિય રાખવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતો દૂર કરવાની સૂચના
ભારે વરસાદ સાથે તેજ પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને શહેરોમાં આવેલા જોખમી હોર્ડિંગ્સ, બેનરો અને જર્જરિત ઇમારતોને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી જાનહાનિ અને અકસ્માતો ટાળી શકાય.
મજૂર વર્ગ અને કાચા મકાનોમાં રહેતા લોકો પર વિશેષ ધ્યાન
બેઠકમાં ખાસ કરીને કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ સુધી હવામાનની ચેતવણીઓ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. આવા વિસ્તારોમાં જરૂર પડે તો પૂર્વ સ્થળાંતર અને રાહત વ્યવસ્થા માટે અધિકારીઓને તૈયાર રહેવા જણાવાયું છે.
29 અને 30 જુલાઈએ પણ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ 29 અને 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદની વિષમ સ્થિતિ પર સરકારની નજર
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે રાજ્યમાં વરસાદની સ્થિતિ ખૂબ જ અસમાન છે. એક તરફ દ્વારકા જેવા વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી અને વલસાડમાં સામાન્ય વરસાદની સરખામણીએ લગભગ 100 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
53 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 9,600થી વધુનુ રેસ્ક્યું
દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન તંત્રની સમયસર કામગીરીના કારણે અંદાજે 53,600થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત 9,600થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. રાહત કમિશનરે NDRF, SDRF, કોસ્ટગાર્ડ, આર્મી અને અન્ય તમામ એજન્સીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.
