
આજે 03 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઈને જંત મંતર પર છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બુધવાર 3 મેના રોજ મોડી રાત્રે અચાનક વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસકર્મીઓ એકબીજા સાથે અથડામણ કરી. કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે દારૂના નશામાં કુસ્તીબાજો સાથે ગેરવર્તણૂક કરી, જેના પછી આખો હંગામો થયો. હાલ સ્થિતિ તંગ છે.
આ ઉનાળામાં જોઈએ તેટલી ગરમી નથી રહી અને હજુ પણ મે મહિનામાં કમોસમી વરસાદની આગાહી છે. જો કે, આજે ઉપલા કચ્છમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે એક બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સંબંધિત વિભાગોને ચૌદ માસ પહેલાની સ્થિતિ અને સાધનો અંગે જરૂરી આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી. કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં વર્ષ 2023ની વરસાદી સિઝનના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગનાં બે સભ્યોને પકડી પાડ્યા છે. જે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતી હતી. આ બાઈક ચોર ગેંગ દ્વારા શહેર ભરમાં 21 જેટલી સ્પોર્ટ્સ બાઈકની ચોરીને અંજામ આપ્યો છે. જેમાંથી પોલીસે 13 જેટલા બાઈક કબજે કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા બે આરોપી આશિષ મીણા અને અંકિત મીણા છે. આરોપીઓ રાજસ્થાનથી કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી માટે અમદાવાદ આવતા અને રાત્રે મજૂરી બાદ સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા હતા. બાઈક ચોરી કર્યા બાદ તેને દધીચી બ્રિજ પાસે તથા મેમનગરની સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસે ખુલ્લી જગ્યામાં રાખી દેતા હતા. બાદમાં આ બાઈક જ્યારે કોઈ સાગરીત રાજસ્થાન જવાનો હોય ત્યારે આ બાઈક તે વ્યક્તિ સાથે રાજસ્થાન મોકલી આપતા હોવાનું સામે આવ્યું છે.
વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદે ભારતીય-અમેરિકન બિઝનેસમેન અજય બાંગાની નિમણૂક કરવામાં આવી છે. તેમને પાંચ વર્ષ માટે આ હોદ્દો સોંપવામાં આવ્યો છે. ભારતમાં જન્મેલી વ્યક્તિને પ્રથમ વાર વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનો હોદ્દો મળ્યો છે. તેઓ જૂનના પ્રથમ સપ્તાહથી નવો હોદ્દો સંભાળે તેવી શક્યતા છે.
63 વર્ષીય બંગા અમેરિકન નાગરિકત્વ ધરાવે છે અને અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકના વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ પાર્ટનરશિપ ફોર સેન્ટ્રલ અમેરિકાના કો-ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યાં છે અને અમેરિકન વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મળીને કામ કરી રહ્યાં છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ફેબ્રુઆરીના અંતે બંગાને વર્લ્ડ બેન્કના પ્રમુખ બનાવવા માટે નોમિનેટ કર્યા હતા. આ હોદ્દા માટે તેઓ એકમાત્ર નોમિની હતા. અત્યારે વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસ છે અને હવે અજય બાંગા તેમનું સ્થાન સંભાળશે.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેમની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. મળતી માહિતી મુજબ બંને ટૂંક સમયમાં સગાઈ કરવાના છે.
સગાઈના સમાચારને લઈને ચર્ચામાં રહેવાની વચ્ચે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા છે. આજે એટલે કે 3 મેના રોજ બંને એકસાથે મોહાલીમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની મેચ એકસાથે રમાઈ રહી છે.
હીરા નગરી અને ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગેન ડોનર સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. આજે સુરત શહેરમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઈનડેડ 23 વર્ષીય પ્રિતેશ રાજભરના લિવર, બે કિડની અને આંતરડાના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરત શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ રાજભર પરિવારે પૂરૂ પાડ્યું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા 23 વર્ષીય પ્રિતેશ રાજભર 30મી એપ્રિલ, રવિવારે 9.30 વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રથી માંડી સુરત સુધી માવઠું પડ્યું હતું. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો.કેટલાક સ્થળે વરસાદનું જોર વધુ હોવાથી વૈશાખ મહિનામાં જ ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ સર્જાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીમાં દિલ્હીની રોહિણી કોર્ટે બીબીસીને સમન્સ જારી કર્યું છે. રોહિણી કોર્ટે બીબીસી, વિકિપીડિયા અને ઈન્ટરનેટ આર્કાઈવને સમન્સ જારી કર્યા છે. રોહિણી કોર્ટે માનહાનિના કેસમાં આ સમન્સ જારી કર્યું છે. આ મામલે 11 મેના રોજ સુનાવણી થશે.
ગુજરાતમાં રાજકોટમાં મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે ઝડપેલા ભેળસેળયુક્ત પનીર બાદ આજે સુરત આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે.જેમાં અલગ અલગ 14 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં કેટલીક ડેરીમાંથી નમૂના પણ લીધા હતા.આ નમૂનાને હાલ તપાસ માટે મોકલી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ભેળસેળયુક્ત પનીર બનાવવા કંમ્પ્રેસ ઇમલ્સિફાઇડ દૂધનો ઉપયોગ કરે છે.જેમાં પામ ઓઇલને ઉમેરવામાં આવે છે.સાથે જ પનીરને ઘટ્ટ બનાવવા વેજિટેબલ ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.તો હલકી ગુણવત્તાવાળુ કે પાણી મિશ્રિત દૂધ દ્વારા પ્રોસેસ કરીને પનીર બનાવવામાં આવે છે..આપને જણાવી દઇએ અસલી પનીર શરીરને પ્રોટીન આપે છે, જ્યારે ભેળસેળયુક્ત પનીર માત્રને માત્ર મેદસ્વિતા વધારે છે, જેને ખાવાથી શરીરને કોઇ જ ફાયદો નથી થતો.
વૈશ્વિક સ્તરે મંદીના ભયને કારણે ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. બેન્કિંગ સેક્ટર પર તેની ખરાબ અસર પડી છે. તે જ સમયે, આઇટી ક્ષેત્રની મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
તે દરમિયાન, આવા ડેટા સામે આવ્યા છે, જે ખરેખર ડરામણી છે. અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં ભારે મંદીની અપેક્ષા છે. જો કે આ ડેટામાં ભારતને મોટી રાહત મળી છે.
ભારતમાં મંદીની શૂન્ય શક્યતા છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, મંદીની સૌથી વધુ અસર બ્રિટનમાં જોવા મળવાની ધારણા છે. અહીં મંદી 75 ટકા રહેવાનો અંદાજ છે. આ પછી, ન્યુઝીલેન્ડ બીજા નંબર પર છે, જ્યાં મંદીની 70 ટકા અસર થઈ શકે છે. અમેરિકા આ મામલે ત્રીજા નંબર પર રહેશે, જ્યાં મંદીની અસર 65 ટકા રહેવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં એક વૃદ્ધને ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી ભારે પડી હતી. જેમાં યુવાને વૃદ્ધને ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા અને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રામોલ વિસ્તારમાં એક યુવાને વૃદ્ધની સલાહથી ઉશ્કેરાઈને હત્યા કરી દીધી. રામોલ વિસ્તારમાં બે દિવસ પહેલા કથિત માસના ટુકડા ફેંકવા બાબતે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ટેમ્પો ચાલક મોઇનખાન પઠાણ નામનો યુવક હતો. જેનાં ટેમ્પામાંથી માસના ટુકડા નીચે પડતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે યુવકના એક પરિચિત વૃદ્ધ મુઝફફરખાન પઠાણએ મોઇનખાનને સલાહ આપી કે જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું. વૃદ્ધની સલાહથી ઉશ્કેરાયેલા મોઇનખાને છરીના ઘા ઝીકીને વૃદ્ધની હત્યા કરી નાખી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે આવેલી અશોકનગર ઝૂંપડપટ્ટીમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ પાલિકાના વરાછા ઝોનની ટીમો પહોંચી ગઈ હતી અને મેગા ડિમોલિશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનના પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મારવા માટે યુક્રેને ક્રેમલિન પર ડ્રોન વડે હુમલો કર્યો છે. મોસ્કો તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
ખેડાના નડિયાદ મિલ રોડ પરથી ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાવાના મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરશે. ફેક્ટરીમાંથી મળેલા લીકવીડ કેમિકલ અને અન્ય પદાર્થોના નમૂના ભૂજ સરકારી લેબમાં મોકલ્યા છે. આગામી 10 દિવસમાં ભુજ સરકારી લેબમાંથી રિપોર્ટ આવશે. સરકારી લેબના રિપોર્ટના આધારે નડિયાદ ટાઉન પોલીસ કાર્યવાહી કરશે. કરી પાવડરના નામે ડુપ્લીકેટ હળદર બનાવનાર અમિત અને પંકજ ટહેલ્યાણી સામે કાર્યવાહી થશે.
ઓપરેશન કાવેરી હેઠળ, સુદાન પોર્ટથી 137 ભારતીયોને લઈને એક ભારતીય વિમાન જેદ્દાહથી સાઉદી અરેબિયા માટે રવાના થયું છે. આ તમામ ભારતીયોને IAF C-130J એરક્રાફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોની આ 21મી બેચ છે.
પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદના નજીકના વકીલ ખાન સુલત હનીફની મુશ્કેલીઓ વધી ગઈ છે. પ્રયાગરાજ પોલીસે સૈલત હનીફને ઉમેશ પાલની હત્યાનો આરોપી બનાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ સૌલત હનીફના ઘરેથી મોબાઈલની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે.
પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અંસારી સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. હાઈકોર્ટે મુખ્તાર અંસારીની સુરક્ષા માટે ડીજી જેલને આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટને સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે, લોકોને મુખ્તાન અંસારીથી દૂર રાખવા જોઈએ જ્યારે બાંદા જેલમાંથી આજ સુધી લઈ જવામાં આવે છે અને લાવવામાં આવે છે અને જેલ બદલવામાં આવે છે. કોર્ટે આ સમયગાળા દરમિયાન મીડિયાને દૂર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે. જેમાં વાહન માલિકને SMS ટ્રાફિક નિયમ ભંગની નોટિસ જશે.ગુજરાત રાજ્યમાં નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઈ ચલણ દંડની રકમ 90 દિવસમાં નહિ ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાંથી ચલણ મોકલાશે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે.
ભાવનગરથી સામે આવેલ ડમી ઉમેદવાર કૌભાંડની પોલીસ ફરિયાદને 19 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે આ ફરિયાદમાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનું પણ આરોપીઓમાં નામ સામે આવ્યુ છે. કોન્સ્ટેબલ દિનેશ પંડ્યાએ તેના ભાઇ ભદ્રેશના બદલે ડમી તરીકે પરીક્ષા આપી હોવાનું ખુલ્યુ છે. જો કે પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડ્યા 11 એપ્રિલથી ફરાર થઇ ગયો છે. પોલીસ ફરિયાદ બાદ પણ કોન્સ્ટેબલ પોલીસ પકડથી દૂર છે.
ગુજરાતમાં ગ્રામ પંચાયત વિભાગ દ્વારા, 5 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે, ગુજરાતમાં 50થી નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવે તેવી સંભાવના છે. વિભાજન માટે 55 ગ્રામ પંચાયતોની અરજી પંચાયત વિભાગને મળી છે. OBC અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ગુજરાતમાં હાલ 14 હજાર 455 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના પિચનાડ માછિલ વિસ્તાર પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે સરકાર, માન્યતા વિનાના સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે. આ સાથે કેન્દ્ર કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓ સાથે એક સમિતિ બનાવવા માટે તૈયાર છે.
J&K: કુપવાડા જિલ્લાના પિચનાડ માછિલ વિસ્તાર પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આર્મી અને કુપવાડા પોલીસ એન્કાઉન્ટરમાં વ્યસ્ત છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,720 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે તે 40,177 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન 7,698 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ પણ થયા છે.
મુંબઈમાં અજિત પવારના ઘરે NCP ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. (NCP MLAs meeting at Ajit Pawar’s house) શરદ પવારે NCP પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ, આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ શરદ પવાર પણ તેમના ઘરેથી પાર્ટી ઓફિસ જવા માટે રવાના થઈ ગયા છે.
NCPની તમામ ગતિવિધિ તેમજ મહારાષ્ટ્રના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.
ગીરના જંગલમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળ્યો છે. ભર ઉનાળે ભારે કમોસમી વરસાદ વરસવાથી નદી, નાળામાં નવા નીર વહેતા થયા છે. ધોધમાર વરસેલા વરસાદથી રુપેણ નદીમાં પુર આવ્યુ હતું જામકા અને શાણા વાકીયા ગામ વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
Vadodaraના માંજલપુરમાંથી પોલીસે IPL ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. દારૂની બાતમી આધારે રેડ કરતા PCBને, ઘટનાસ્થળેથી IPL ક્રિકેટ સટ્ટાના સાધનો મળ્યા હતા. મહત્વનુ છે કે મોબાઈલ, લેપટોપ સહિતની ચીજવસ્તુ ઉપરાંત 13 મોબાઇલ જપ્ત કર્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અને તેના દ્વારા પોષાયેલા આતંકવાદી સંગઠનો પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું નાપાક કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, VBIED દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાપુઆ ન્યુ ગિનીના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં અમ્બુતીથી 16 કિમી નીચે હતું. (Earthquake in Papua New Guinea) પાપુઆ ન્યુ ગિનીમાં આજે બુધવારે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. પાપુઆ ન્યુ ગિનીના, ન્યૂ ગિની વિસ્તારમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Published On - 6:53 am, Wed, 3 May 23