આજે 14 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં ભાજપના માધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ રહેલા ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે ઇતિહાસ રચવો છે. ગઈ કાલે સાંજ સુધીમાં 300 બેઠક પર ભાજપનો વિજય થઈ ચૂક્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ નિવડ્યા બાદ, પીએમ મોદી અને ટ્રમ્પે આજે વાતચીત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે આશરે 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચા ઇસ્લામાબાદમાં યુએસ-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ થઈ હતી.
સુરત શહેર ટ્રાફિક પોલીસનો વાહનચાલકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. અસહ્ય ગરમીથી વાહન ચાલકોને રાહત આપવા માટેનો નિર્ણય કરાયો છે. બપોરના 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલમાંથી વાહન ચાલકોને આપી મુક્તિ. ટ્રાફિકની શિસ્ત જળવાઈ અને અકસ્માત ના સર્જાય તે માટે, ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાન ખડેપગે હાજર રહેશે, અસહ્ય ગરમી દરમિયાન વાહન ચાલકોને લુ ન લાગે તે માટે નિર્ણય કરાયો છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી છે.
અમદાવાદ મનપા ચૂંટણીને લઈ મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી. DyCM હર્ષ સંઘવી પૂર્વ વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયોની લેશે મુલાકાત અને સભાને સંબોધન કરશે. બાપુનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી. ઈન્ડિયા કોલોની મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકાસ સંકલ્પ સભા સંબોધશે. સૈજપુર બોઘા ખાતે પણ સભાને કરશે સંબોધન. રાત્રે 9 વાગ્યે સરદારનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની લેશે મુલાકાત.
સુરેન્દ્રનગરના ગુજરાત આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ આપ્યું આપ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું. સતીષ ગમારા આપ પાર્ટીમાં ઘણા જ સમયથી જોડાયેલા હતા અને ગુજરાત જોઇન્ટ સેક્રેટરી હતા. હાલ મહાનગરપાલીકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીના માહોલમાં આપ પાર્ટીના તમામ હોદ્દો પરથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયુ છે. આપના પૂર્વ ખેડુત નેતા રાજુભાઈ કરપડા બાદ સતીષ ગમારા પણ ભાજપમાં જોડાઇને કરી શકે છે કેસરીયા
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ગેસ લિકેજનો બનાવ બનતા 2 કામદારોને અસર થઈ છે. એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. 2 કામદારોને થઈ ગેસની અસર થઈ છે.
સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. ઇન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ગરમી સાથે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે. 20 થી 22 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે.
દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં પવન સાથે છૂટોછવાયો પ્રી-મોન્સૂન વરસાદ પડી શકે. પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 26 તારીખ પછી ફરી ગરમી વધશે. અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43°C સુધી પહોંચી શકે
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના મામલે પરિવારની પૂછપરછમાં મોત કે હત્યા અંગે કોઈ હકીકત સામે આવી નથી. પરિવારના સભ્યો ખીરુંના ઢોસા ખાધા બાદ જ મોત થયા હોવાનું રટણ રટી રહ્યાં છે. પોલીસનું કહેવું છે કે, બે બાળકીના મોત કેવી રીતે થયા તેનું રહસ્ય એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલશે. માતા પિતા અને બાળકીના રિપોર્ટ મેચ કરવામાં આવશે.
એફએસએલ રિપોર્ટ આવતા હજી બે થી ત્રણ દિવસ લાગી શકશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી તોડ જોડની નીતિ અપનાવવામાં આવે તેવા ડરથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. મનપામાં અમુક વોર્ડમાં તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તો ભાજપ બિનહરીફ બેઠકો કરે તેવી શક્યતા. કોંગ્રેસના અંદાજે 40 થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વડોદરાના વોર્ડ નંબર 6માં સુમેર ડુપ્લેક્સના રહીશોએ સ્થાનિક સમસ્યાઓને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રહીશોએ ‘કામ નહીં તો વોટ નહીં’ જેવા બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓનો આક્ષેપ છે કે ગંદા પાણીની સમસ્યા, પ્રોપર્ટી કાર્ડ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ છતાં કોર્પોરેટર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી. સતત અવગણના થતાં રહીશોએ આ વખતની ચૂંટણીમાં મતદાન ન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે સ્થાનિક સ્તરે રાજકીય ચકચાર મચી ગઈ છે.
રાજ્યમાં આવનારા ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જેમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનો અંદાજ છે, જેના કારણે કૃષિ અને પાણીના સ્ત્રોતો પર અસર પડી શકે છે. સમગ્ર દેશમાં પણ આ વખતે ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને તેનો પ્રભાવ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે ‘લા નીના’ની અસર નબળી રહેવાને કારણે વરસાદની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે, જે રાજ્ય માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે.
રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે લોકોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. રાજ્યના ઓછામાં ઓછા 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. સાથે જ ગરમ પવનોના કારણે ગરમીનો અનુભવ વધુ તીવ્ર બનશે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયમાં બહાર જવાથી બચવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાશે. સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. કેસરીસિંહ 2017માં માતર વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકમાં ઉમેદવારીને લઈને વિવાદ ઊભો થયો છે. કહાનવા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ રોહિત સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ દિનેશ રોહિતનું નામ મતદાર યાદીમાં બે અલગ-अलग જગ્યાએ નોંધાયેલું છે, જેમાં અંકલેશ્વર અને કારેલી ગામનો સમાવેશ થાય છે. આ મુદ્દે કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હતો, પરંતુ ચૂંટણી અધિકારીએ આ અરજી ગ્રાહ્ય ન રાખતા કોંગ્રેસે પક્ષપાતના આક્ષેપ લગાવ્યા છે. હવે કોંગ્રેસે આ મામલે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે રાજકીય તણાવ વધુ વધી ગયો છે.
સુરતમાં મનપા ચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 561 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. તેમાં AAPના 3 ઉમેદવારો, કોંગ્રેસના 1 ઉમેદવાર અને 557 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન કુલ ઉમેદવારોના લગભગ 47 ટકા ફોર્મ અમાન્ય ઠર્યા હોવાનું સામે આવ્યું છે. અંતે કુલ 499 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને આવતીકાલ સુધી પોતાના ફોર્મ પરત ખેંચવાની તક આપવામાં આવી છે.
વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાતચીત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ ગુરુવારે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ શકે છે અને તેના માટે તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના કહેવા મુજબ આ વાતચીતમાં તુર્કિયે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે. બીજા તબક્કાની બેઠક ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, પરંતુ જીનેવા અથવા તુર્કિયેમાં બેઠક થવાની સંભાવના છે. બન્ને દેશો વચ્ચે સીઝફાયર આગળ વધે તેવી પણ આશા વ્યક્ત થઈ રહી છે, જ્યારે ઈસ્લામાબાદમાં યોજાયેલ પ્રથમ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી હતી.
પોરબંદર મનપા ચૂંટણીને લઈ રાજકીય પરિસ્થિતિ ગરમાતી જઈ રહી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં જતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ અને AAPના દબાણ અથવા સંભાવિત ડરના કારણે કોંગ્રેસે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી માટે કુલ 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે 32 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં રહ્યા છે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આ તમામ ઉમેદવારોને સુરક્ષાના હેતુસર અજ્ઞાતવાસમાં મોકલ્યા હોવાનું જાણવા મળે છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદ સિટીમાં યુવતીની બર્થડે પાર્ટીના બહાને દારૂની મહેફિલ યોજાતા મામલો સામે આવ્યો છે. પાર્ટીમાં દારૂ પીને ધમાલ મચાવતા રહેવાસીઓએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે તાત્કાલિક રેડ કરી યુવતીઓ સહિત કુલ 10 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ મામલે વેજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published On - 7:21 am, Tue, 14 April 26