ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો નિર્ણય સ્થગિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાનમાલિકો -મકાન ધારકોએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ તેમણે આપ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડની(Gujarat Housing Board) વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાનમાલિકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ( Illegal Construction ) દૂર કરવાનો અને તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો – મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાનમાલિકો -મકાન ધારકોએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ તેમણે આપ્યો છે.
ગેરકાયદે બાંધકામ દૂર કરતા લોકોના ધંધા ભાંગી પડે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન માલિકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે એક મહિનામાં એક બે નહિ પણ 6 હજાર મકાનોને ગેરકાયદેસર બાંધકામ તેમના ખર્ચે દૂર કરવા નોટિસ આપી છે. જેને લઈને નોટિસ મળનાર રહીશો અને તેની આસપાસના લોકો મૂંઝવણમાં મુકાયા હતા. તેમજ કેટલાક લોકોમાં નારાજગી વ્યાપી છે. કેમ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે બાંધકામ દૂર કરતા લોકોના ધંધા ભાંગી પડે તેમજ રહીશોના મકાન તૂટે તો રહે ક્યાં તેવા સવાલ ઉભા કર્યા છે. તો આટલા વર્ષે કેમ નોટિસ ઈશ્યુ કરાઈ તેવા પ્રશ્નો ઉભા કરી યોગ્ય નિકાલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે.
80 હજાર મકાનને નોટિસ મળવાની શક્યતાઓ
જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરેક વિસ્તારમાં 1 લાખ ઉપર મકાન આવેલા છે. જેમાં 80 હજાર મકાનને નોટિસ મળવાની શક્યતાઓ છે. જેમાં 6 હજાર મકાનોને નોટિસ આપી દેવાઈ છે અને તે પણ બાય પોસ્ટ નોટિસ અપાઈ રહી છે. તો 12 હજાર મકાન એવા છે કે જે મકાનમાં લોકો રહે છે પણ તેઓ નાણાં ભરી નથી શક્યા તેમજ દસ્તાવેજ નથી થયા. જેઓની સામે પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રક્રિયા હાથ ધરી છે. જેને લઈને સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કર્યા છે.
હાલ તો ઉપરી અધિકારીના આદેશ હેઠળ એક મહિનાથી હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ સામે નોટિસ ઈશ્યુ કરાઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આગામી દિવસમાં અન્ય નોટિસ પણ લોકોને મળી શકે છે. અથવા તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલી શકે છે. ત્યારે વર્ષોથી એક સ્થળે રહેતા લોકોએ પણ આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. અને યોગ્ય પ્રક્રિયા સાથે ન્યાય માટે માંગ કરી હતી.