Gujarat : સોમનાથ મંદિરના ‘‘ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્ય’’નો પ્રારંભ, ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે

નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે "શ્રી સોમનાથ મંદિર" વિશે ભારતભરના શ્રદ્ધાળુઓમાં રુચિ વધશે

Gujarat : સોમનાથ મંદિરના ‘‘ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્ય’’નો પ્રારંભ, ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે
Gujarat: Commencement of "Digital Promotion and Protection Work" of Somnath Temple, can be viewed in 3D view from home

ભારતના 12 જર્યોર્તિલિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિરને આગામી સમયમાં ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે. આ સિવાય 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સીધા માર્ગદર્શનમાં “શ્રી સોમનાથ ટ્રસ્ટ” અને “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ”ના સંયુક્ત પ્રયાસથી ‘વિનાશ પર નિર્માણના પ્રતીક સમાન’ પ્રભાસ પાટણ સ્થિત “શ્રી સોમનાથ મંદિર” ના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ વિશેષ ટેક્નોલોજી બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડલ(BIM) પર આધારિત છે. જેનો ઉપયોગ સંવર્ધન અને પુન: સ્થાપનાની પ્રક્રિયા માટે થઈ શકે છે. આ 3D મોડલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબીશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે અતિઉપયોગી સાબિત થશે અને જો ભવિષ્યમાં જરૂર ઊભી થાય તો, આ 3D પ્રિન્ટેડ મોડલથી સ્ટ્રક્ચરની પ્રતિકૃતિ સરળતાથી તૈયાર થઈ શકે છે. પેરિસના ‘‘નોટ્રે ડેમ કેથેડ્રલ’’માં આગના બનાવ બાદ તેનું પુનઃ નિર્માણ શક્ય બનવું તે આ ટેક્નોલોજીને જ આભારી છે.

વધુમાં લેટેસ્ટ ટેક્નોલોજીથી એકત્રિત કરેલા ડેટાથી ઓગમેન્ટેડરિયાલિટી (AR) સાથે માહિતીપ્રદ એપ ( App ), વર્ચુઅલરિયાલિટી ( VR ) આધારિત વોકથ્રુએપ (App), 360° વર્ચુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વીડિયો આઉટપુટ બનાવવામાં આવશે. કોરોના જેવી મહામારીની સ્થિતિમાં ઘરે બેઠેલા લોકો સીધા કનેક્ટ થઈ શકે છે અને પવિત્ર દેવસ્થાનના દર્શન કરી, મંદિરને 3D વ્યુમાં નિહાળી શકશે.

નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે “શ્રી સોમનાથ મંદિર” વિશે ભારતભરના શ્રદ્ધાળુઓમાં રુચિ વધશે અને મંદિરની પ્રત્યેક માહિતીથી અવગત થશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર દર્શનાર્થીઓ માટે એક આગવી 3-Way Digital CAVE VRનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોજેક્ટર્સની મદદથી કોઈપણ વ્યક્તિ સ્વયં”શ્રી સોમનાથ મંદિર” પરિસરમાં પ્રવેશ કરી, પોતે ફરી રહ્યો છે તેવી અનુભૂતિ કરી શકશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ ડિજિટલ મ્યુઝિયમ, એરપોર્ટ, એક્ઝિબીશનમાં પણ કરવામાં આવશે. જેથી વધુને વધુ ભક્તો-લોકો “શ્રી સોમનાથ મંદિર” વિશે માહિતગાર થશે.

વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેક્નોલોજીના ઉપયોગ સાથે, “શ્રી સોમનાથ ટ્રસ્ટ” અને “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ” સંયુક્ત રીતે મળીને ગુજરાતમાં સૌ પ્રથમ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે જે આવનારા ભવિષ્યમાં “શ્રી સોમનાથ મંદિર”ની અને ગુજરાતની શાનમાં વધુ વધારો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરના હજારો મંદિરમાંથી ભગવાન શિવનું ગુજરાતના દરીયાકાંઠે આવેલું ‘શ્રી સોમનાથ મંદિર’ વિશેષ મહત્વ ધરાવે છે અને તે સર્વોત્તમ મંદિરોમાંનું એક છે.

ઇતિહાસમાં અનેક કુદરતી આફતો અને વિદેશી આક્રમણોમાં થયેલ તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ પછી પણ અદ્વિતીય સ્થાપત્ય કલાના નમૂના સમાન આ મંદિર અડીખમ રહ્યું. સમયાંતરે હિન્દુ રાજાઓએ આ તિર્થસ્થાનનો જીર્ણોદ્ધાર કર્યો અને મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખ્યું.

ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તથા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે આ પૌરાણિક જ્યોતિર્લિંગના મૂળ સ્થાને જ મંદિરનું પુનઃનિર્માણ કરવાનું બીડું ઝડપ્યું અને તા.11 મે,1951ના રોજ ચાલુક્ય શૈલીથી તૈયાર થયેલ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે પણ આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદષ્ટીને પરિણામ સ્વરૂપે આ સોમનાથ મંદિર તીર્થનો સતત વિકાસ થઇ રહ્યો છે તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati