Gir Somnath: હિરણ-2 ડેમમાં 40% પાણીની આવક, ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા
જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે હિરણ-2 ડેમમાં 40% પાણીની આવક થઈ છે. હાલ ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે.
Gir Somnath: જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે હિરણ-2 ડેમમાં 40% પાણીની આવક થઈ છે. હાલ ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલવામાં આવતા વેરાવળ અને તાલાલાના કુલ 13 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. તાલાલાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રશ્નાવાડ ગામ પાણીથી તરબોળ
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો કે અત્યાર સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળી દીધુ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. પ્રશ્નાવાડા ગામ સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું છે.
પ્રશ્નાવાડ ગામમાં કમર સુધીના પાણી
ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ છે. પ્રશ્નાવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પ્રશ્નાવાડ ગામમાં કોળીવાડા અને નવાપરા વિસ્તાર પાણીથી તરબોળ થઇ ગયો છે. જેના પગલે લોકોની ઘરવખરી પલળીને બરબાદ થઇ ગઇ છે. ગામમાં પણ કમર સુધીનું પાણી ભરાયુ હોવાથી લોકો સ્થળાંતર પણ કરી શકતા નથી. લોકોને છત પર આસરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તો અસરગ્રસ્તો હવે તંત્ર જલ્દી તેમની મદદ આવે તેની રાહ જોઇ રહ્યુ છે.