ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ,નવી સરકારની પરીક્ષા
ગુજરાત વિધાનસભાના દ્વિદિવસીય ચોમાસુ સત્રમાં વિપક્ષ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
ગુજરાત વિધાનસભાના(Gujarat Legislative Assembly) ચોમાસું સત્રનો સોમવારથી પ્રારંભ થશે. બે દિવસના આ ચોમાસું સત્ર દરમ્યાન ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારની પ્રથમ કસોટી થશે. ગુજરાત વિધાનસભાના દ્વિદિવસીય ચોમાસુ સત્રમાં વિપક્ષ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
જ્યારે રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથેસાથે કેટલીક નવી જાહેરાતો કરે તેવી સંભાવના છે. વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.
અગાઉ વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસના કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વિધાનસભા સત્ર પૂર્વે રવિવારે ભાજપના ધારાસભ્ય દળની પણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભામાં કામકાજને લઈને રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્ર દરમ્યાન આ બિલ મંજૂર કરવામાં આવશે.
૧) ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ અને ઇનસ્ટીટ્યુશન એક્ટ
૨) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
૩) ગુજરાત ખાનગી યુનિવર્સીટી વિધેયક
૪) ઇંડિયન પાર્ટ્નરશીપ એક્ટ
સરકારને ઘેરવા વિપક્ષે બનાવી રણનીતિ
ગુજરાતમાં નવી અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ઘેરવા માટે વિપક્ષે પણ તૈયારીઓ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં મુખ્યત્વે રાજ્યમાં અતિવૃષ્ટિ સામે વળતર, કોરોના મૃતકોના પરિજનોને રાજ્ય તરફથી સહાય કે વળતર, શિક્ષણ જગતને લગતા પ્રશ્નો,પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, બેરોજગારી, સરકારી નોકરીની ભરતી સહીતના મુદ્દે ચર્ચા કરીને સરકારને ઘેરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ એવુ પ્રથમ સત્ર હશે કે જ્યા સૌ પ્રથમવાર મહિલાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે. ગુજરાતમાં આનંદીબહેન પટેલ પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા. તે જ રીતે કચ્છના નીમાબહેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ અનુભવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ.
ગુજરાતની રાજકીય પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે ઉભા રાખતા નથી. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. આથી નીમાબેન આચાર્ય બિનહરીફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.
આ પણ વાંચો : હરિધામ સોખડાના વારસદાર અંગે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુકત નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો : Valsad: લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, CCTV ના દ્રશ્યો આવ્યા સામે