કોંગ્રેસમાં ‘શક્તિ’પ્રદાન કરવાની જવાબદારી ‘બાપુ’ની, શક્તિસિંહ ગોહિલ સામે રહેશે આ પડકારો
વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એવું ઇચ્છતું હતું કે પ્રદેશ અધ્યક્ષ કોઈ એવા વ્યક્તિને બનાવવામાં આવે કે જે અગાઉ આ પદ પર રહ્યા ના હોય, પરંતુ ગુજરાતની રાજનીતિને સારી રીતે જાણતા હોય અને કાર્યકરોમાં પણ સ્વીકૃત હોય.
Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જગદીશ ઠાકોરના રાજીનામાંથી ખાલી પડેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિવડેલા અને ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા ( Shaktisinh Gohil)શક્તિસિંહ ગોહિલને સોંપાઇ છે. તેઓ અત્યારે ગુજરાતમાંથી જ રાજ્યસભા સાંસદ અને દિલ્લી-હરિયાણા કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત છે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી બેઠી કરવાની જવાબદારી હવે બાપુના સિરે આવી છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કાર્યકરોમાં ફરી એકવાર પક્ષમાં વિશ્વાસ ઉભો કરી દોડતા કરવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવાના મોટા પડકાર શક્તિસિંહ ગોહિલ સામે રહેશે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસે પ્રભારીની નિમણૂક પૂર્વે જ ગુજરાતમા તાત્કાલિક અસરથી અનુભવી અને નિવડેલા નેતા શક્તિસિંહ ગોહિલ બાપુને ગુજરાતમાં કોંગ્રેસને દોડાવવાની જવાબદારી સોંપી છે. 2 દિવસ પૂર્વે કોંગ્રેસના નેતાઓ દિલ્લી હાઇકમાન્ડમાં રજુઆત લઈને ગયા હતા કે જલ્દી નિમણુંકો આપવામાં આવે. રજૂઆતના 48 કલાકમાં જ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બેઠી કરવી અને કાર્યકરોમાં વિશ્વાસ જગાવવાનો મહત્વનો ટાસ્ક શક્તિસિંહ ગોહિલે પૂર્ણ કરવો પડશે.
‘બાપુ’ની પસંદગી કેમ?
વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એવું ઇચ્છતું હતું કે પ્રદેશ અધ્યક્ષ કોઈ એવા વ્યક્તિને બનાવવામાં આવે કે જે અગાઉ આ પદ પર રહ્યા ના હોય, પરંતુ ગુજરાતની રાજનીતિને સારી રીતે જાણતા હોય અને કાર્યકરોમાં પણ સ્વીકૃત હોય. જેમાં પાટીદાર નેતા પરેશ ધાનાણી, વિરજી ઠુંમર આ સિવાય અનુભવીનેતા દીપક બાબરીયા સહિતનાઓના નામ ચાલી રહ્યા હતા. પરંતુ લાંબો પાર્લામેન્ટર તરીકેનો અનુભવ, ગુજરાતની રાજનીતિને સારી રીતે જાણનાર, સ્વચ્છ છબી, સંગઠનના અનુભવી અને ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ તરીકે જેમની ગણતરી થાય છે એ શક્તિસિંહ ગોહિલને આ જવાબદારી સોંપવામાં આવી.
આ પણ વાંચો : Breaking News: શક્તિસિંહ ગોહિલને બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ
પ્રમુખ તરીકે શક્તિસિંહ સામેના પડકારો
2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઇતિહાસની સૌથી ઓછી 17 બેઠકો મળી હતી. જે તેમનું સૌથી ખરાબ પરિણામ હતું. હવે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવાનું કામ કરવાનું છે. જેમાં સૌથી મહત્વનું કામ કોંગ્રેસમાં નવા અને યુવા ચહેરાઓને લાવવાનું રહેશે. આ સિવાય કોંગ્રેસનું બુથ સ્થળનું સંગઠન ઊભું કરવું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તૂટે નહીં અને બધા એક સાથે ટિમ કોંગ્રેસ બની કામ કરે. પ્રદેશ કોંગ્રેસને જૂથબંધી માંથી બહાર લાવી એક સાથે દોડતા કરવા. ગુજરાત માં AAP ના પડકારને અસરકારક રીતે પાર પાડવાનો રહેશે. આગામી સમયે આવી રહેલ 2 જિલ્લા પંચાયત અને 70 થી વધુ નગરપાલિકાઓની ચૂંટણી શક્તિસિંહ ગોહિલનો પહેલો ટાસ્ક રહેશે.