રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા “મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર – ઋષિકેશ પટેલ
કેબિનેટ બેઠકમાં મંત્રીઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ કાયદા વિભાગ દ્વારા થયેલી વિશેષ કામગીરી, યોજનાના અમલીકરણ, બેસ્ટ પ્રેક્ટીસીસ, વિવિધ ઉપલબ્ધિઓ અંગે સભ્યઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Gandhinagar : ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંસદસભ્યઓ તેમજ ધારાસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ કાયદા વિભાગ દ્વારા થયેલી વિશેષ કામગીરી, યોજનાના અમલીકરણ, બેસ્ટ પ્રેક્ટીસીસ, વિવિધ ઉપલબ્ધિઓ અંગે સભ્યઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ વિભાગ સંબંધિત બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને કુપોષણમુક્ત બનાવવા રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કુપોષણને જળ-મૂળથી નાબૂદ કરવા “મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ જન અંદોલન રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
“મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર
આવા વિવિધ જન અંદોલન અને રાજ્યની અદ્યતન આરોગ્ય સુવિધાઓના પરિણામે જ ગુજરાત આજે આરોગ્ય ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સરળતાથી અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ તેમની આસપાસના વિસ્તારોમાં જ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના આર્થીક રીતે નબળા પરંતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને પોતાનું ભવિષ્ય સુધારી શકે તે માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ થકી આવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. આવી જ રીતે રાજ્યના ઉદ્યમી યુવાઓને પણ તેમના ઇનોવેશન કે આઈડિયા માટે પૂરતું પ્રોત્સાહન આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન 2.૦ જેવી યોજના અમલી બનાવવામાં આવી છે. આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના પરિણામે આજે રાજ્યના અનેક બાળકો ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારી પણ મેળવી છે.
PMJAY-MA કાર્ડમાં ઈમરજન્સી કેસોને પ્રાધાન્ય આપવા
પરામર્શ સમિતિના સભ્ય તરીકે સાંસદ ડૉ. અમીબેન યાગ્નિક, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. દર્શીતાબેન શાહ, ડૉ. દર્શનાબેન દેશમુખ અને વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી.
જેમાં પ્રાઇવેટ કોલેજો અને યુનીવર્સીટીઓમાં ફી નિયમન કરવા, સરકારી કોલજોમાં લેબ ટેકનીક્સિયનનો કોર્ષ શરુ કરવા, રાજ્યમાં કુપોષણ ઘટાડવા, મધ્યાહન ભોજનમાં પોષણયુક્ત ખોરાકમાં વધારો કરવા, PMJAY-MA કાર્ડમાં ઈમરજન્સી કેસોને પ્રાધાન્ય આપવા, કોકલીયર ઈમ્પ્લાન્ટ બાદ સ્પીચ થેરાપી અને મશીન મેઇન્ટેનેન્સ કરવા, કેમ્પસ પ્લેસમેન્ટ, કોર્ષ અને કન્ટેન્ટ નિયમન કરવા તેમજ એન્જીનીયરીંગ અભ્યાસક્રમની બેઠકો જેવા વિષયો ઉપર ચર્ચા-વિમર્શ કરવામાં આવી હતી.
આ બેઠકની શરૂઆતમાં આરોગ્ય વિભાગના આરોગ્યલક્ષી કાર્યક્રમ, યોજનાઓ, બાળકથી લઇ વૃદ્ધને સાંકળી લેતી મહત્વની સેવાઓ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ હેઠળની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન 2.૦ જેવી યોજના અને વિભાગની કામગીરી તેમજ કાયદા વિભાગની કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. આ બેઠક બાદ ઉપસ્થિત સભ્યઓએ રાજ્ય સરકારના આ મહત્વના વિભાગોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, અગર સચિવ શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશન ડીરેક્ટર રેમ્યા મોહન, સંસદીય બાબતોના સચિવ કાયદા વિભાગના સચિવ, અને વૈદ્યાનિક વિભાગના સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો