Gandhinagar : ખેડૂતો માટે સારા સમાચાર, આગામી બે વર્ષમાં ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા કવાયત
મહામારીમાં વૈશ્વિક સ્તરે કોલસા અને ગેસની અછત સર્જાઈ હતી, જેના કારણે પાવર પ્લાન્ટ્સની ઊત્પાદન ક્ષમતા ઓછી હતી. આવા કપરાં કાળમાં પણ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એકપણ દિવસના પાવર કટ વિના ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે.
Gandhinagar: ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી બે વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે માટે વીજ લાઈનોનનું માળખાકીય સુદૃઢીકરણ કરવામાં આવી રહ્યું છે. મહામારીમાં વૈશ્વિક સ્તરે કોલસા અને ગેસની અછત સર્જાઈ હતી, જેના કારણે પાવર પ્લાન્ટ્સની ઊત્પાદન ક્ષમતા ઓછી હતી. આવા કપરાં કાળમાં પણ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એકપણ દિવસના પાવર કટ વિના ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે.
વીજ પરિસ્થિતિ અગાઉ કરતા ધણી સંતોષકારક હોવાની લાગણી વ્યકત કરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ વાયર, થાંભલા, ટ્રાન્સફોર્મર જેવા કોઈપણ વીજ મટિરિયલની અછત રાજ્યમાં નથી. આથી રહેણાંક, ખેતી કે ઉદ્યોગ માટેની તમામ અરજીઓનો સુચારૂ રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં સંબંધિત વિભાગની કામગીરી અને બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સાંસદઓ તથા ધારાસભ્યઓએ સુધારાવાદી સૂચનો કર્યા તેમજ હાલની વીજ પરિસ્થિતિ અગાઉ કરતા ધણી સંતોષકારક હોવાની લાગણી વ્યકત કરી હતી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે
પીએમ મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. સ્થાનિકોના પ્રશ્નો સંસદસભ્યો-ધારાસભ્યઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે જેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે. આથી આ બેઠક ખૂબ મહત્વની સાબિત થઈ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શહેરી વિકાસ અંતર્ગત અન્ડર ગ્રાઉન્ડ વીજલાઈન નાંખવા
પરામર્શ સમિતિના સભ્ય સંસદસભ્ય-ધારાસભ્યઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા, ગેસ પાઈપલાઈન તથા વીજવિતરણ લાઈન નાંખતા પૂર્વે સ્થાનિક ખેડૂતો સાથે સંકલન કરવું, ગ્રામ્યકક્ષાએ વીજ બિલની ૨૦ હજાર સુધીની રોકડ રકમ સ્વીકારવા, શહેરી વિકાસ અંતર્ગત અન્ડર ગ્રાઉન્ડ વીજલાઈન નાંખવા, સોલર રૂફટોપ અંતર્ગત પેદા થતી વીજળીનું યુનિટદીઠ વળતર વધારવા આવશે.
જોખમી વૃક્ષોનું ટ્રિમીંગ કરવા વગેરે જેવા મુદ્દે ચર્ચા-વિમર્શ થયો
જેમાં રહેણાંકના કનેક્શનના ટ્રાન્સફરના કિસ્સામાં કનેક્શન ડિપોઝીટની રકમ ફરીથી ન ભરવા, વીજચોરીના કિસ્સામાં પોલીસની મદદથી ઝુંબેશ ચલાવવા, વીજ હેલ્પલાઈનની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા, ચોમાસા પૂર્વે વીજલાઈન-થાંભલા આસપાસના જોખમી વૃક્ષોનું ટ્રિમીંગ કરવા વગેરે જેવા મુદ્દે ચર્ચા-વિમર્શ થયો હતો. આ ઉપરાંત વીજ વિતરણની કામગીરી સુદૃઢ બનાવવા સંદર્ભે ટ્રાયબલ સબ પ્લાન કે વનબંધુ યોજના અંતર્ગત વધુ નાણાં ફાળવવા અંગે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો