ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી, 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 હોસ્પિટલમાં શોકોઝ નોટિસ અપાઇ
ગુજરાતના આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ગોધરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલમાં આવેલી હોસ્પિટલોમાં ગેરરીતિઓ સામે ખુલાસો થયો હતો.

ગુજરાતના આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કેટલીક હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે ખુલાસો થયો હતો. જે પછી ગોધરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલમાં આવેલી કેટલીક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલ અને ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે દાહોદની મા ચિલ્ડ્રન અને નીઓનલ કેર અને પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલ
ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU અને NICU માટે જરૂરી માપદંડો પૂર્ણ ન હોવાથી, MBBS ડૉક્ટર્સ સરપ્રાઈઝ ચેકિંગ વખતે હાજર ન હતા. હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી, લાભાર્થીઓ માટે યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું અને ઈન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન પણ થતું નહોતું. આ તમામ ગેરરીતિઓને કારણે હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરાયું.
ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલ
ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ PICU અને NICU માટે જરૂરી માપદંડો પૂર્ણ ન હતા. અહીં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ ન હતો અને બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતો. તેમજ લાભાર્થીઓ માટે માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું. ઈન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકા લાગુ ન થવી, BU પરમિશન અને ફાયર NOC ઉપલબ્ધ ન હોવા જેવી ખામીઓ સામે આવી. ગેરરીતિને કારણે આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
દાહોદની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર
દાહોદની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલમાં લાભાર્થીઓ માટે યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું, જેને ધ્યાનમાં લેતા હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી આપવામાં આવી છે.
પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ
પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલમાં NICUમાં એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી. હોસ્પિટલ CCTV ફૂટેજ પ્રદાન કરવામાં નિષ્ફળ રહી અને લાભાર્થીઓ માટે માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત ન હતું. આ ખામીઓ સામે શો-કોઝ નોટિસ આપવામાં આવી.
આ કાર્યવાહી PMJAY હેઠળ લાભાર્થીઓને સુરક્ષિત અને યોગ્ય આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની ટિપ્પણી અનુસાર, “સરકારના નિયમોનું પાલન અને લોકોની સુરક્ષા સૌથી પહેલા છે. ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે.”
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો