Gujarat Budget 2023-24: કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ બજેટને ગણાવ્યુ જુના ખર્ચાનું રિપીટેશન, કહ્યું દેવુ કરી ઘી પીવાની ભાજપની નીતિને આગળ વધારશે
Gujarat Budget 2023-24: કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આ બજેટને જુના ખર્ચાનું રિપીટેશન ગણાવતા જણાવ્યુ કે આ બજેટથી ગુજરાતીઓને લાભ નહીં થાય. વધુમાં તેમણે ઉમેર્યુ કે આ બજેટ ભાજપની દેવુ કરીને ઘી પીવાની નીતિને આગળ વધારશે.
નાણામંત્રી કનુ દેસાઈએ ભાજપ સરકારનું અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું જમ્બો કહી શકાય એવું 3.1 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટમાં કેટલીક જાહેરાતો કરાઈ છે તો રાજ્યની જનતા પર નવા કર પણ નાખવામાં નથી આવ્યા. આમ છતાં કોંગ્રેસ આ બજેટને નિરૂત્સાહી અને આંકડાની માયાજાળ ગણાવી રહ્યું છે.
કોંગ્રેસે બજેટને દેવુ કરી ઘી પીવા સાથે સરખાવ્યુ
રાજ્યના બજેટ કરતા દેવું વધુ છે, ત્યારે સરકારની નીતિને કોંગ્રેસ ‘દેવું કરી ઘી પીવા’ સાથે સરખાવી રહ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતનાર ભાજપ સરકારના બજેટથી અનેક અપેક્ષાઓ રખાઈ રહી હતી. જેમાં રાહતો, યોજનાઓ, નવી ભરતીઓ, મેનિફેસ્ટોમાં કે ચૂંટણીમાં થયેલ વાયદાઓની ભરમારની અપેક્ષા રખાઈ રહી હતી. જોકે બજેટમાં કેટલીક બાબતો એવી છે કે જેને લઈ પ્રશ્નો થઈ રહ્યા છે કોંગ્રેસ આ બજેટને લઈ જે પ્રશ્નો કરી રહ્યા છે એમાં રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નો છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્યનું બજેટ ગુજરાતની જનતાને નિરાશ કરનાર છે અને દેવુ કરીને ઘી પીવાની ભારતીય જનતા પાર્ટીની જે વૃત્તિ છે તેને આગળ વધારનાર છે. pic.twitter.com/Nbm3SEvAN9
— Arjun Modhwadia (@arjunmodhwadia) February 24, 2023
જુની પેન્શન યોજનાનો ઉલ્લેખ ન કરી કર્મચારીઓને રાજ્ય સરકારે છેતર્યા- અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણી સમયે કર્મચારી મંડળો, સંગઠનો અને આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા અને સમાન કામ સમાન વેતનના અધિકાર માટે આંદોલનો કર્યા હતા. જે તે સમયે તેમને કેટલાક વચનો આપવામાં આવ્યા હતા. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી અને સમાન કામ, સમાન વેતન હતું. બજેટમાં એનો ઉલ્લેખ પણ ના કરી કર્મચારીઓને છેતરાવમાં આવ્યા છે.
બજેટમાં નર્મદા યોજનાની જોગવાઈમાં 100 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો- અમિત ચાવડા
ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજના વિદ્યાર્થીઓ, યુવાનોના ઉચ્ચ શિક્ષણ, રોજગાર, ઉત્કર્ષ કે આર્થિક ઉપાર્જન માટે બનાવેલ નિગમોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્યાય કરવામાં આવ્યો છે. જ્યારે બિન અનામત આયોગ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે આ સમાજ માટે ચાલી રહેલ નવનિગમો માટે માત્ર 166 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ઘરે ઘરે પહોંચે એ તમામ લોકોની ઈચ્છા છે, પરંતુ ગત વર્ષ કરતાં નર્મદા યોજના માટેની જોગવાઈમાં 100 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ બજેટ ફક્ત આંકડાઓ શબ્દોની માયાજાળ- અમિત ચાવડા
અમિત ચાવડાએ બજેટ અંગે વાતચીત કરતા કહ્યું કે આ બજેટમાં ફક્ત આંકડાઓ અને શબ્દોની માયાજાળથી પાંચ વર્ષનું આયોજન કરી લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો છે. સાચા અર્થમાં બજેટથી ગુજરાતીઓને કોઈ લાભ નહીં મળે. જે જૂની યોજનાઓ હતી કે જૂનો ખર્ચો હતો તેનું માત્ર રિપીટેશન થશે. મોંઘવારીના માર વચ્ચે ખરા અર્થમાં તો ગુજરાતને કરમાંથી રાહત આપવાની જરૂર હતી જે અહીંયા જોવા નથી મળી રહ્યું.
‘દેવું કરી ઘી પીવાની’ વૃત્તિને બજેટ આગળ વધારશે: મોઢવાડીયા
ગુજરાતનું જાહેર દેવું 3.5 લાખ કરોડ છે, જ્યારે આજે રજુ થયેલ જંબો બજેટનું કદ 3.1 કરોડ રૂપિયા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે જનતા અપેક્ષા રાખી રહી હતી કે મંદી મોંઘવારીના માર વચ્ચે જનતાને બહાર લાવવાનો પ્રયત્ન સરકાર કરશે. પરંતુ આ બજેટમાં એવા કોઈ પ્રયત્નો થયા નથી. ઉપરથી અગાઉ જંત્રી વધારી દઈ ઘર મોંઘા કર્યા છે.
રાજસ્થાન સરકારે 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી લોકોને રાહત આપી છે. વીમા યોજના અંતર્ગત વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી કરી છે. જેની સામે ગુજરાતની ભાજપ સરકારની ઈચ્છા શક્તિ જનતાની સેવા માટે ના હોય એવું દેખાઈ રહ્યું છે અને સામે ભવિષ્યમાં ખર્ચ થકી સરકાર મોટું દેવું પણ કરશે.