Gandhinagar: વિધાનસભાના પરિસરમાં ધારાસભ્યો રમ્યા ધુળેટી, વિપક્ષે સલાહ આપતા કહ્યું ‘પૈસા ઉત્સવમાં ન વાપરો’
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતો ખૂબ મોટા આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે. ખેડૂતો જ્યારે આ સ્થિતિમાં છે ત્યારે સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય તેમના દુઃખમાં સહભાગી થવાનું હોય એના બદલે આજે ખેડૂતને નજીવો લાભ મળે એવું પેકેજ જાહેર કરી ઉત્સવો મનાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમવાર ધારાસભ્યો માટે ધુળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સભ્યો તો ઉપસ્થિત રહ્યા પરંતુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસે ગેરહાજર રહી સરકાર પર કટાક્ષ કર્યો કે માવઠાના કારણે ખેડૂતો દુઃખી હોય ત્યારે અમે આવા ઉત્સવો અને તાયફાઓ ના કરી શકીએ.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની થઈ છે. નુકસાનીના કારણે ખેડૂતો દુઃખી છે, ત્યારે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં ધુળેટી રમતા સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકાઓ થઈ રહી છે. વિધાનસભા પરિસરમાં પ્રથમ વાર આયોજિત ધુળેટી પર્વમાં તમામ ધારાસભ્યોને અધ્યક્ષે આમંત્રિત કર્યા હતા. જો કે ભાજપના ધારાસભ્યો સિવાય વિપક્ષી પાર્ટીઓ રંગે રંગાવા ઉપસ્થિત ના રહી અને સરકારના રંગોત્સવને તાયફાઓ ગણાવ્યા.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતો ખૂબ મોટા આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે. આજે ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. ખેડૂતો પહેલાથી જ આર્થિક બોજા નો માર સહન કરી રહ્યા હતા અને બીજી તરફ માવઠું પડતા સ્થિતિ વધારે ગંભીર બની છે.
ખેડૂતો જ્યારે આ સ્થિતિમાં છે, ત્યારે સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય તેમના દુઃખમાં સહભાગી થવાનું હોય એના બદલે આજે ખેડૂતને નજીવો લાભ મળે એવું પેકેજ જાહેર કરી ઉત્સવો મનાવી રહ્યા છે. એકતરફ ખેડૂત ભવિષ્યની ચિંતા કરતો હોય અને આર્થિક બોજ નીચે દબાયો સરકાર અને બીજીતરફ સરકાર હોળી ઉત્સવ કરી પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી કરે તેમાં કોંગ્રેસ પક્ષ ક્યારે સહમત હોઈ ના શકે. એટલા જ માટે સરકાર દ્વારા આજે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ પક્ષ સહભાગી નથી બન્યો.
AAPના સભ્યો પણ રંગોત્સવમાં ન જોડાયા
સરકારના રંગોત્સવમાં માત્ર કોંગ્રેસના 17 સભ્યો જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્તાપક્ષ અને વિપક્ષના તમામ સભ્યોને રંગોત્સવમાં આમંત્રિત કર્યા હતા. જો કે વિપક્ષી બંને પાર્ટીઓના સભ્યો ગેરહાજર રહ્યા.