Breaking News: ધોરણ 12 સંસ્કૃત વિષયનું પેપર 29 માર્ચે ફરી લેવાશે, વાલીઓની ફરિયાદ બાદ નિર્ણય
Gujarat Board Exam: ધોરણ 12નુ સંસ્કૃત વિષયનું પેપર 29 માર્ચે ફરી લેવામાં આવશે, બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 20 માર્ચે લેવાયેલા સંસ્કૃત વિષયના પેપરમાં 90% પ્રશ્નો કોર્સ બહારના પૂછાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ધોરણ 12નું સંસ્કૃત વિષયનું પેપર 29 માર્ચે ફરી લેવાશે. અગાઉ આ પેપર 20 માર્ચે યોજાયુ હતુ. જો કે પેપરમાં 90% પ્રશ્નો સિલેબસ બહારના આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના પગલે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની ફરિયાદ ઉઠી હતી. બોર્ડ દ્વારા પેપરની ચકાસણી કરવામાં આવી હતી. જેમા કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનુ ધ્યાને આવતા બોર્ડે ફરી પેપર લેવાનો નિર્ણય કર્યો છે. આગામી 29 માર્ચે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. 29 માર્ચે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાના બોર્ડના સમયે જ ફરી પેપર લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે સંસ્કૃત વિષયમાં 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ અગાઉ પણ ગુજરાત બોર્ડની ધોરણ 10માં ગુજરાતીના પેપરમાં એક બાદ એક અનેક ભૂલો સામે આવી હતી. જેમાં પ્રશ્નપત્ર કાઢનારની ભૂલ સામે આવી છે. પેપરસેટરે બોર્ડના માળખાને પણ ધ્યાને ન લઈ કૃતિ અને કૃતિ સંગ્રહ અંગેના પ્રશ્નનો પ્રશ્નપત્રમાં સમાવેશ કર્યો છે. બોર્ડના માળખામાં કૃતિ અને કૃતિસંગ્રહ એવા જોડકા પૂછવાનો ઉલ્લેખ છે જ નહીં છતા આ પ્રકારનો પ્રશ્ન પ્રશ્નપેપરમાં પૂછવામાં આવ્યો, જેનું નુકસાન વિદ્યાર્થીઓને ભોગવવુ પડશે. આ નુકસાનની ભરપાઈ ગુજરાત બોર્ડ કેવી રીતે કરશે તે અંગે પણ આજદિન સુધી કોઈ જાહેરાત કરાઈ નથી.
આટલુ ઓછુ હોય તેમ પ્રશ્નપત્ર કાઢનારની જોડણી વિભાગમાં 9 જેટલી ખોટી જોડણી લખી હોવાનું સામે આવ્યુ છે. જેમા દુકાનદાર, આપદા ની, વર્ષાઋુતુ, પ્રતીક, કૃષ્ણ વિરહને, પ્રવૃતિ, હાનિકારક, આજનો યુગ શબ્દોની ખોટી જોડણી આપી છે. આ મામલે પ્રશ્નપત્ર સેટ કરનારની ભૂલ સામે વિદ્યાર્થીઓેને થતા નુકસાન માટેના જવાબની પણ માગ કરાઈ છે.
ગુજરાતીના પેપરમાં કૃતિ અને કૃતિસંગ્રહના 4 માર્ક્સના સવાલમાં એક માર્ક્સની પ્રશ્નપત્રની ભૂલ સામે આવી છે. તો બીજી તરફ રાજકોટમાં ગણિતના પેપર દરમિયાન ભરાડ સ્કૂલની મોટી બેદરકારી સામે આવી છે. જેમા વિદ્યાર્થીને પૂરવણી સમયસર ન અપાતા વિદ્યાર્થીએ 10-15 મિનિટ સુધી બેસી રહેવુ પડ્યુ હતુ. છતા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને પેપર પુરુ કરવા માટે પાછળથી વધારાની 10 મિનિટ ફાળવાઈ ન હતી. જેના કારણે વિદ્યાર્થીને પેપર પુરુ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્યારે સ્કૂલની બેદરકારી સામે જિલ્લા શિક્ષણાધિકારી પણ માત્ર તપાસ બાદ બોર્ડને રિપોર્ટ કરશે તેવુ આશ્વાસન આપી છૂટી ગયા હતા.