Gandhinagar: રાજ્યના 90થી વધુ ગામોમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા “આઓ ગાઁવ ચલે” અભિયાનનો પ્રારંભ
રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લાના સરઢવથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું.
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની (Indian Medical Association) ગુજરાત બ્રાન્ચના રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લાના સરઢવથી રિ-લોન્ચિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, પીડિત, નાનામાં નાના અને ગ્રામીણ લોકો સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વ્યાપકપણે વિસ્તરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનનો પણ જે વ્યાપ વધ્યો છે. જેના કારણે ગ્રામ્ય સ્તરે પણ હવે મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સની સુવિધાઓ મળતી થઈ છે. તો વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય રક્ષા યોજના ‘આયુષ્યમાન ભારત’નું આરોગ્ય કવચ કરોડો જરૂરતમંદ લોકોને મળતું થયું છે. આ સેવાના મૂળમાં સુશાસન અને સૌના સાથ, સૌના વિકાસના પ્રયાસની ભાવના સંકળાયોલી છે.
મુખ્યમંત્રીએ “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટની સરાહના કરી
મુખ્યમંત્રીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ગ્રામીણ નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટ દ્વારા સરકાર સાથે સહયોગ કર્યો છે, તેની સરાહના કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ અમિતભાઈ શાહે સરઢવ અને રાંધેજાને આરોગ્ય સહિતની સેવાના કામો માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા પણ ફાળવેલા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે ગામડાના સર્વાંગી વિકાસ માટે શહેર સમોવડી સુવિધા ગામડામાં ઊભી કરીને ગ્રામજનોના આરોગ્યની ચિંતા, શિક્ષણની ચિંતા તેમજ કન્યા કેળવણીની ચિંતા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.
આ કાર્યક્રમ થકી 1700 શાખાઓ દ્વારા ગામોને દત્તક લેવામાં આવશે
ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવા સરળતાથી આપી શકાય તેવા ઉમદા ભાવથી મેડિકલ એસોશિએશન દ્વારા “આઓ ગાઁવ ચલે” કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના મંત્રી ર્ડા. અનિલ નાયકે જણાવ્યું હતું કે ગામડામાં ડોક્ટર જતા નથી, તેવી ફરિયાદના ઉમદા નિરાકણના ભાગરૂપે એસોશિએશન દ્વારા “આઓ ગાઁવ ચલે”’ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી 1700 શાખાઓ દ્વારા ગામોને દત્તક લેવામાં આવશે. જેના દ્વારા ગામડાઓમાં મેડિકલ સુવિઘા પૂરી પાડવાનો નિર્ઘાર કરવામાં આવ્યો છે.