Gujarat માં સિંહ બાદ હવે દીપડાની સંખ્યામાં પણ વધારો, 6 વર્ષમાં વસ્તી 50 ટકા વધવાનો અંદાજ
વન અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દીપડાઓ અંદાજિત ગણતરીના 25 ટકા હિસ્સો ધરાવે છે કારણ કે તેમાં શેરડીના મોટા ખેતરો છે જે ખોરાક અને આશ્રય માટે ખુલ્લા છે. રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 370 દીપડાના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં(Gujarat) વન્ય જીવોના સંવર્ધનને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના એશિયાટીક સિંહોની(Lion) વસ્તીમાં થયેલા વધારા બાદ હવે દીપડાની(Leopard) સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી દીપડાની વસ્તી ગણતરીના અંદાજ મુજબ છેલ્લા 6 વર્ષના દીપડાની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. જેમાં વર્ષ 2016માં રાજ્યના દીપડાની સંખ્યા 1395 હતી જે હાલમાં વસ્તી ગણતરીના વધીને 2200 થવા પામી છે. જે અંગેનો સત્તાવાર આંકડો હજુ જાહેર થવાનો બાકી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ દીપડાઓ જોવા મળ્યા
જેમાં વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 40 ટકા દીપડાઓ માનવ વસાહતની નજીક મળી આવ્યા હતા. આ ઉપરાંત 2011ની ગણતરીની સરખામણીએ 2016માં વસ્તી ગણતરીમાં રાજ્યમાં દીપડાની વસ્તીમાં 20 ટકાનો વધારો થયો હતો. જ્યારે રાજ્યના વન અધિકારીઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ દીપડાઓ જોવા મળ્યા છે. વર્ષ 2016માં ગણતરી કરાયેલા 1,395 દીપડાઓમાંથી લગભગ 450 જૂનાગઢ અને ગીર-સોમનાથમાં હતા.તાજેતરની વસ્તી ગણતરીમાં આ સંખ્યા લગભગ 750 છે. જે રાજ્યમાં દીપડાની વસ્તીના 34 ટકા છે.
આ પણ વાંચો : Breaking News : પીએમ મોદી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 370 દીપડાના મૃત્યુ થયા
વન અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દીપડાઓ અંદાજિત ગણતરીના 25 ટકા હિસ્સો ધરાવે છે કારણ કે તેમાં શેરડીના મોટા ખેતરો છે જે ખોરાક અને આશ્રય માટે ખુલ્લા છે. રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 370 દીપડાના મૃત્યુ થયા છે. જેમાં 2021 માં 179 અને 2022 માં 191 દીપડાઓના મૃત્યુ થયા છે.
દીપડાઓ પણ ખોરાક અને નવા રહેઠાણની શોધમાં શહેરો સુધી પહોંચી રહયા છે
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ચાર જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દીપડાઓનો વસવાટ છે. જે રીતે સિંહો રાજકોટ સુધી પહોંચી ગયા તેમ દીપડાઓ પણ ખોરાક અને નવા રહેઠાણની શોધમાં શહેરો સુધી પહોંચી રહયા છે. ગીરના જંગલમાં સિંહોના વસવાટ હોય ત્યાંથી દીપડા સામાન્ય રીતે દૂર રહેતા હોય છે. સિંહોની સંખ્યા પણ વધતા દીપડાઓ નવા રહેઠાણની શોધમાં માનવીય વસવાટ નજીક ઘુમી રહયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા, કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારમાં દીપડાની દહેશત વધી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…