ફાસ્ટેગનુ ડિંડક ! કાર પાર્કિગમાં ઊભી હતી અને વડોદરા ટોલ પ્લાઝામાંથી કપાયા 160 રૂપિયા
આ કિસ્સા પરથી એવુ ફલિત થાય છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીને ફરિયાદ ઉકેલવામાં કોઈ જ ઈચ્છા નથી, તેને તો માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં જ રસ હોય તેમ લાગે છે. જો કાર તમારા ઘરે કે ઓફિસે હોય અને એ કારના નંબરથી તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ જાય તો શું કરવું તેનું માર્ગદર્શન ક્યારેય નેશનલ હાઈવે ઓથોરિટી નહીં આપે. સંબંધિત તંત્ર સમક્ષ લેખિત ફરિયાદ છતા પગલાં લેવાતા નથી તે તંત્રની નિષ્કાળજી સાબિત કરે છે.

ટેકનોલોજીથી જેટલી સરળતા વધી છે એટલી જ મુશ્કેલી પણ વધી છે. ટેકનોલોજી એક બાબતે અનેક રીતે આર્શિવાદ સમાન છે, પરંતુ તેના કારણે લોકોની સાથે એવા બનાવો બની રહ્યાં છે કે, લોકો ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાંથી ડરતા થયા છે. જો કે સાવધાનીથી ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતા, અનેક પ્રકારની ગેરરિતી અને છેતરપિંડીના બનાવો રોજબરોજ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. કાર પોતાના પાર્કિગમાં ઊભી હોવા છતા, એ જ કારનો ટોલટેક્સ વડોદરા ટોલપ્લાઝા પરથી કપાઈ ગયો. જાણો સમગ્ર કિસ્સો.
સુરતના એક વેપારની કાર તેમના પાર્કિગમાં ઊભી હતી. અને તેમના મોબાઈલમાં મેસેજ આવ્યો કે, વડોદરા ટોલ પ્લાઝા પર ટોલટેક્સ તરીકે 160 રૂપિયા કપાઈ ગયા છે. પહેલા તો કોઈ સાયબર ગઠીયા દ્વારા છેતરપિંડી આચરવા માટે મોકલેલો મેસેજ હશે તેમ માન્યું. પરંતુ થોડીક જ વારમાં બેંકનો પણ મેસેજ આવ્યો કે, તમારા બેંક બેલેન્સમાંથી ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રૂપિયા 160 કપાયા છે. હવે વેપારી ચિંતાતુર થવાની સાથે ગભરાયો. તેણે આ ઘટનાને લઈને લગતા વળગતાને જાણ કરી પછી લેખિત ફરિયાદ કરી.
કાર માલિકે બધા પુરાવાઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અને ફાસ્ટેગ એકાઉન્ટ જે બેંકમાં છે તેની બ્રાન્ચને લેખિત ફરિયાદ કરી. આમ છતા કોઈ જ સંતોષકારક જવાબ કે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આવા સંજોગોમાં, સુરતથી 155 કિલોમિટર દૂર વડોદરા ટોલ પ્લાઝા ખાતે પોતાની કારના બનાવટી નંબરથી કોઈ કાર પસાર થઈ છે કે ફાસ્ટેગની કોઈ ભૂલ થઈ છે તે જ નક્કી નથી થતુ. કાર પોતાની નજર સામે હોય અને ટોલ ટેક્સ કપાય ત્યારે સૌથી પહેલા તો એ જ વિચાર આવે કે, કોઈક ગરબડ થઈ હશે. અથવા તો નકલી નંબર પ્લેટ લગાવીને કોઈ કાર પસાર થઈ હશે. પરંતુ જ્યારે કારના મૂળ માલિક જ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ કરે તો સત્ય બહાર લાવવાની જવાબદારી સંબંધિત તંત્રની છે.
જુઓ વીડિયોઃ
ટોલપ્લાઝા પરથી હજ્જારો વાહનો પસાર થાય છે તેમાં સંભવ છે કે કોઈ ટેકનિકલ એરરને કારણે ભૂલ થઈ હોઈ શકે. પરંતુ ફરિયાદ છતા કોઈ ચકાસણી કે પ્રત્યુતર જ ના આપવો એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની જવાબદારી છે. માત્ર વાહનો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાને બદલે, વાહન માલિકોની ફરિયાદ સંબંધે જરૂરી કાર્યવાહી થાય એ પણ એટલી જ જરૂરી છે.