Devbhumi Dwarka: 10 પાકિસ્તાનીઓ પકડાવાના કેસમાં હથિયાર અને ડ્રગ્સ મગાવનારની થઈ ઓળખ, હવે સ્લીપર સેલ પર ATSની નજર
30 વર્ષ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ એક મોટા ષડયંત્રને અંજામ પહેલા જ નિષ્ફળ બનાવ્યું છે અને કરોડોના ડ્રગ્સ (Drug) સાથે ઘાતક હથિયારો ઝડપી પાડ્યા છે.

ઓખાના દરિયામાંથી 300 કરોડથી વધુના ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓ પકડાવાના કેસમાં હથિયાર અને ડ્રગ્સ મગાવનારની પોલીસે ઓળખ કરી લીધી છે. ટૂંક સમયમાં પોલીસ ડ્રગ્સ મગાવનારા શખ્સની ધરપકડ કરી શકે છે. બોટમાંથી મળેલી પિસ્તોલ ઈટલીની બેરેટા પિસ્તોલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો હથિયારનો જથ્થો ભારતમાં આતંક ફેલાવવા માટે મગાવાયો હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે હવે ડ્રગ્સ નેટવર્કમાં એટીએસની સ્લીપર સેલ પર પણ સતત નજર છે.
30 વર્ષ બાદ ફરી એકવાર દરિયાઈ માર્ગેથી ઘૂષણખોરીનો પ્રયાસ થયો છે. જો કે 1992 બાદ ફરી એકવાર નાપાક ઈરાદાને જડબાતોડ જવાબ મળ્યો છે. 30 વર્ષ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ એક મોટા ષડયંત્રને અંજામ પહેલા જ નિષ્ફળ બનાવ્યું છે અને કરોડોના ડ્રગ્સ સાથે ઘાતક હથિયારો ઝડપી પાડ્યા છે. ATSના પીઆઈને બાતમી મળી અને તરત જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.
જે પછી કોસ્ટગાર્ડની મદદ લઈને દિલધડક ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ. આતંકી મનસુબા ધરાવતા ડ્રગ્સ માફિયાઓને ઝડપવા માટે બંને સુરક્ષા વિભાગોના અધિકારીઓ 6 દિવસ સુધી દરિયામાં 140 નોટિકલ માઈલ સુધી ફર્યા અને દરિયાઈ રોકાણ પણ કર્યું. આખરે બાતમી સાચી પડી અને બોટનું સિગ્નલ મળતા જ તેની ઘેરી લેવાઈ હતી અને નાપાક મનસુબા ધરાવતા પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને દબોચી લેવાયા હતા.
બલુચિસ્તાનથી ઉપડી હતી બોટ
સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બોટ પાકિસ્તાન સ્થિત બલુચિસ્તાનથી ઉપડી હતી. જેમાં 10 બલુચિસ્તાન મૂળના પાકિસ્તાનીઓ સવાર હતા. પોલીસે બોટમાંથી 10 આરોપીઓની ત્રણ ગેસના સિલિન્ડર, 300 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ, 12 મેગેઝિન અને 120 કાર્ટેજ સાથે ધરપકડ કરી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે સુરક્ષા એજન્સીઓથી બચવા આરોપીઓએ ગેસ સિલિન્ડરની આડમાં હથિયારઓ અને ડ્રગ્સ છૂપાવ્યું હતું.
ચાલુ વર્ષે ડ્રગ્સ હેરફેરની 6 મોટી ઘટનાઓ
મહત્વપૂર્ણ છે કે વર્ષ 2022માં સુરક્ષા એજન્સીઓને દરિયાઈ ડ્રગ્સની હેરફેરની 6 મોટી ઘટનાઓને અંજામ પહેલા અટકાવવામાં સફળતા મળી છે. આપને જણાવી દઇએ કે 2021માં 10461 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 2022માં આ આંકડો 4,374 કરોડ પર પહોંચ્યો છે. 2021માં કુલ 36 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. માત્ર 2021ની તૂલનાએ જ 2022માં ત્રણ ગણી ડ્રગ્સ હેરફેર વધી છે અને ત્રણ ગણા જથ્થાને ઝડપી પણ લેવાયો.