રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ડાંગની મુલાકાત લેશે, ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવાશે
NCPCRનું ફુલફોર્મ (National Commission for the Protection of Child Rights) બાળ અધિકાર સંરક્ષણ આયોગ છે. આ આયોગ બાળ અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. NCPCRનું વહીવટી નિયંત્રણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

તારીખ ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ ડાંગ(Dang) જિલ્લાની મુલાકાતે પધારી રહ્યુ છે. આયોગની ડાંગની મુલાકાતને પગલે જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત વિભાગો અને સંસ્થાઓને માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગામિતે આયોગ દ્વારા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર નોંધાયેલા બાળકો પૈકી પસંદગીના બાળકો સાથે સંવાદ સાધવા ઉપરાંત જાતિય સતામણીનો ભોગ બનેલા બાળકો અને બાળ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સ્થાનિક સેવા સંસ્થાઓ સાથે પણ બેઠક યોજાશે તેમ જણાવ્યુ હતુ.આ મુલાકાત દરમિયાન આયોગના સભ્યો ગ્રામ્ય વિસ્તારોની જાત મુલાકાત લઈ પરિસ્થિતનો તાગ મેળવશે અને જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજશે.
તા. ૧૬-૦૯-૨૦૨૨ ના રોજ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ‘બાળ અધિકાર ફરિયાદ નિવારણ કેમ્પ’ પણ આયોજિત કરાયો છે. જેમા બાળ ફરિયાદો, પ્રશ્નોનુ આયોગના પ્રતિનિધિઓ નિરાકરણ કરશે. આયોગની આ મુલાકાત સંદર્ભે કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે નિવાસી અધિક કલેક્ટરએ સંબંધિતોને જરૂરી સૂચનો કરી આયોગની ઉપયોગિતા, સંવેદનશીલ, અને તેનુ મહત્વ સમજી દરેક બાબતે ચોક્સાઈપૂર્વકનુ સૂક્ષ્મ આયોજન કરવાની સૂચના આપી હતી.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી તથા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશીએ પૂરક વિગતો રજુ કરી હતી.
જાણો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ વિશે
NCPCRનું ફુલફોર્મ (National Commission for the Protection of Child Rights) બાળ અધિકાર સંરક્ષણ આયોગ છે. આ આયોગ બાળ અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. NCPCRનું વહીવટી નિયંત્રણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓફ ચિલ્ડ્રન (NCPCR) અનુસાર બાળકોના અધિકારો સાર્વત્રિક અને અવિશ્વસનીય છે. તે દેશમાં તમામ બાળ-સંબંધિત બાબતોના મહત્વને પણ ઓળખે છે. કમિશન માટે 0 થી 18 વર્ષના તમામ બાળકોની સુરક્ષા સમાન રીતે મહત્વપૂર્ણ છે.
કમિશનનું કામ બાળકોના અધિકારોની જાળવણી, કાયદા અને કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવાનું છે. કમિશનનું કામ પણ બાળકો સંબંધિત તમામ બાબતોની પ્રમાણિકતાથી સમીક્ષા કરવાનું છે. કમિશનમાં એક અધ્યક્ષ અને છ સભ્યો છે, જેમાંથી બે મહિલા છે. કમિશનમાં સભ્ય સચિવ પણ છે. સભ્યો બાળ આરોગ્ય, શિક્ષણ, બાળ સંભાળ અને વિકાસ, કિશોર ન્યાય, વિકલાંગ બાળકો, બાળ મજૂરી નાબૂદી, બાળ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અને બાળકો સંબંધિત કાયદાઓમાં નિષ્ણાત છે.