આજથી બે દિવસ ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા અંતર્ગત કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે
13મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના 'વિશ્વાસ થી વિકાસ' યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાયેલા વઘઇ તાલુકાના કુંડા-ચીંચોડ-સિલોટમાળ રોડનું લોકાર્પણ કરવામાં આવશે.

આજથી બે દિવસ એટલેકે તારીખ 12 અને 13 સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ડાંગ(Dang) અને નવસારી(Navsari) જિલ્લામા પણ કરોડો રૂપિયાના વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરાશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે.
ડાંગમાં આ રોડ થકી સ્થાનિકોની સમસ્યા દૂર કરાશે
13મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાયેલા વઘઇ તાલુકાના કુંડા-ચીંચોડ-સિલોટમાળ રોડનું લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા પંચાયત કેચેરીના જણાવ્યા અનુસાર 2020/21માં ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ મંજુર થયેલ રૂ.648.34 લાખની કિંમતનુ કુંડા-ચીંચોડ-સિલોટમાળ રોડના અપગ્રેડેશનનુ કાર્ય પૂર્ણ થયું છે. આ રોડનું ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમા લોકાર્પણ કરાશે. ઉલ્લેખનિય છે કે આ માર્ગની ૩ મીટરની પહોળાઈને 5.50 મીટર કરવામાં આવી છે. હવે આસપાસના ગ્રામજનો માટે તાલુકા મથક વઘઇ સુધીનો માર્ગ વાહન વ્યવહાર વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બનશે. એસ.ટી. બસ અને 108 એમ્બ્યુલન્સ સેવા સહિતની ઇમરજન્સી સેવાઓની અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ વધશે. ખેડૂતો તેમના ખેત ઉત્પાદનને સમયસર માર્કેટ સુધી સરળતાથી પહોંચાડી શકશે. તો વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે પણ આ માર્ગ વધુ ઉપયોગી થશે.
નવસારીમાં અંદાજિત ૩૦ કરોડના વિકસકાર્યો નું લોકાર્પણ થશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ 12 અને 13 સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ,ખાતમુહુર્તો જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને આયોજન અંગેની અગત્યની બેઠક મળી હતી.જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જણાવ્યું હતું કે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના આયોજન દરમિયાન યોજનાકીય કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય ઉજવણી થાય તે માટે તમામ વિભાગે પ્રયાસ કરવાનો રહેશે.કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવનાર છે.
પ્રાંત કક્ષાનો કાર્યક્રમ આજે 12 સપ્ટેમ્બરે નવસારી મતિયા પાટીદાર સમાજ વાડી ખાતે તેમજ ચિખલીના દિનકર ભવન અને વાસંદા પ્રાંતનો કાર્યક્રમ કુકણા સમાજની વાડી ખાતે યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવસારીના ટાટા હોલ ખાતે ખાતે ૧૩ સપ્ટેમ્બરે યોજાશે. નવસારી જિલ્લાના વિશ્વાસ થી વિકાસ યાત્રાના પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત 29.44 કરોડના કુલ 1398 કામો અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત રૂ. 15 કરોડના કુલ 6 કામોનો સમાવેશ કરાયો છે.