દમણમાં ‘થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા’: 350 SUV ચાલકોને લેવડાવાયા સુરક્ષિત ડ્રાઇવિંગના શપથ, સ્ટંટબાજોને ચેતવણી
દમણ પ્રશાસને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા 'થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા' યોજીને આશરે 350 SUV ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગના શપથ લેવડાવ્યા હતા. પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે રસ્તા પર ઓવરસ્પીડિંગ, સ્ટંટબાજી કે 'ભાઈગીરી' કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

દમણ પ્રશાસને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે ‘થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા’નું આયોજન કરીને આશરે 350 SUV ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગના શપથ લેવડાવ્યા હતા. પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પૂરપાટ ઝડપ, સ્ટંટબાજી અને વાહનો દ્વારા ‘ભાઈગીરી’ કે ‘માફિયાગીરી’ દર્શાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
રસ્તાઓ પર થાર અને ફોર્ચ્યુનર જેવી ભારે વાહનોનો રોફ જમાવવો અને બેદરકારીપૂર્વક સ્ટંટબાજી કરવી હવે નહીં ચાલે. દમણ પ્રશાસન અને પરિવહન વિભાગે માર્ગ સલામતીને લઈને એક અનોખી અને અસરકારક પહેલ હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટ નગરમાં આયોજિત ‘થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા’ અંતર્ગત આશરે 350 SUV માલિકો અને ચાલકોને એક મંચ પર લાવીને સુરક્ષિત અને જવાબદાર ડ્રાઇવિંગના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દમણના વર્તમાન આંકડા મુજબ 209 થાર અને 248 ફોર્ચ્યુનર ગાડીઓ નોંધાયેલી છે. આ કાર્યક્રમમાં કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રા અને પોલીસ અધિક્ષક કેતન બંસલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ ચાલકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રસ્તા પર વાહન ચલાવવું એ માત્ર વ્યક્તિગત સગવડ નથી, પરંતુ એક મોટી સામાજિક જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મોંઘી અને શક્તિશાળી ગાડીઓ ચલાવનારાઓને જોઈને સામાન્ય જનતા કે પ્રવાસીઓને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ, કોઈ પ્રકારનો ડર નહીં. ગાડીની સાચી તાકાત પૂરપાટ ઝડપ કે સ્ટંટમાં નથી, પરંતુ ડ્રાઈવરના જવાબદાર વર્તનમાં દેખાવી જોઈએ.
જુઓ Video
પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા આ અભિયાન અંગે ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ વાહનોનો દુરુપયોગ કરીને રસ્તા પર ‘ભાઈગીરી’ કે ‘માફિયાગીરી’ કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
રફતાર નહીં, સંસ્કાર!
બહારથી આવતા પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવતા જોખમી સ્ટંટ પર રોક લગાવવા માટે પ્રશાસને આગામી દિવસોમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વિશેષ આયોજનમાં ઉપસ્થિત તમામ વાહન માલિકોએ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માતની સ્થિતિમાં પીડિતોની મદદ કરવાના શપથ જ ન લીધા, પરંતુ કોઈપણ પ્રકારની અનૈતિક કે અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ન થવાનો પણ સંકલ્પ કર્યો હતો. ‘રફતાર નહીં, સંસ્કાર’ના મૂળ મંત્ર સાથે શરૂ થયેલું આ અભિયાન દમણના માર્ગો પરથી ખોટી ‘હીરોગીરી’ ખતમ કરી સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
