લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ગુજરાતની 26 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર ભાજપ કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જે બેઠકો પર ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે ત્યાં પાર્ટી દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવાઈ છે. ત્યારે અનેક એવી બેઠકો છે જ્યાં રસાકસીભર્યો જંગ જોવા મળશે,. ભાજપ તમામ 26 બેઠકો પર હેટ્રિક લગાવવાની તૈયારી કરી રહી છે તો કોંગ્રેસ અને આપ રાજ્યમાં ભાજપના વિજયરથને રોકવા માટે મેદાને છે. કોંગ્રેસે ગત રાત્રે જાહેર કરેલી યાદીમાં કેટલાક નવા ચહેરા તો કેટલાક અનુભવી નામોને પસંદ કરાયા છે.
કોંગ્રેસે કેટલીક બેઠકો પર કેટલાક મોટા નામો જાહેર કર્યા છે. જેમા સીટીંગ ધારાસભ્યોને પસંદ કર્યા છે તો કેટલાક એવા ચહેરાને પસંદ કર્યા છે લોકોમાં ઘણા પોપ્યુલર છે. પાર્ટીએ ગઈકાલે જે 10 ઉમેદવારો જાહેર કર્યા તેમા સાબરકાંઠા બેઠક પર ભાજપના ભીખાજી ઠાકોરના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. નિશા ચૌધરી ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા. જોકે પાર્ટીએ ટિકિટ આપતાની સાથે તેઓએ કહ્યુ કે તેઓએ ટિકિટ માંગી નહોતી પરંતુ પાર્ટીએ મજબૂત દાવેદારી માટે તેઓની પસંદગી કરી છે
સાબરકાંઠા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જે હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતીજ એમ સાત વિધાનસભા બેઠકો છે. બેઠક 6.48 ટકા મુસ્લિમ મતદારો, 0.72 ટકા જૈન મતદારો, 92.55 ટકા હિન્દુ મતદારો તથા 0.25 ટકા અન્ય મતદારો છે.
પાટણ લોકસભાની ટિકિટ મળવા પર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. tv9 સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે પાટણના સ્થાનિક મુદ્દે ચૂંટણી લડીશું, પ્રજાની સેવાનું કામ કરતો રહીશ અને સાથે જ ખેડૂત, વેપારી બધાના મુદ્દા ઉઠાવીશ. મહત્વનું છે કે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતાર્યા છે. અહિં નેક ટુ નેક ફાઈટ થઈ શકે છે.
2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33368 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે ભવ્ય વિજય થયો હતો અને ભાજપ એ આ બેઠક જાળવી રાખી હતી.
કોંગ્રેસે છોટા ઉદેપુરમાં ઉમેદવાર તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી છે. તેઓને ટિકિટ મળ્યા બાદ તેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને સાથે જ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે છોટાઉદેપુર ભાજપે અહિં જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
આ બેઠકની વાત કરીએ તો બેઠક ST અનામત સીટ છે. એક સમયે અહિં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1977માં બેઠક અસ્તિત્વમાં આવી. આદિવાસી મતદારો નિર્ણાયક છે. અહિં આદિવાસી 40 ટકા, ક્ષત્રિય 15 ટકા, પાટીદાર 10 ટકા, દલિત 10 ટકા, બ્રાહ્મણ 7 ટકા, મુસ્લિમ 5 ટકા મતદારો છે. 2019માં ભાજપના ગીતા રાઠવાની જીત થઈ હતી.
રાજ્યની કુલ 26 બેઠકોના પોતપોતાના અલગ અલગ સમીકરણ છે અને એટલે કેટલીક બેઠકો ભાજપ માટે સરળ તો કેટલીકમાં પડકારો છે. કોંગ્રેસના ઉમેદવારો હાલ જીતના દાવા કરે છે ત્યારે જોવું રહ્યુ કે ભાજપની જીતની 26 સીટોની હેટ્રિક થાય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ક્યાંક કોઈ જગ્યાએ અટકાવી શકે છે