Breaking News : ડમી કૌભાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ, બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં પૈસાના વહીવટનો હતો ઉલ્લેખ
Surat News: ડમી કૌભાંડમાં બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં કાનભાના નામનો પણ ઉલ્લેખ થયો હતો. આ વીડિયોમાં કાનભાએ પૈસાનો વહીવટ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
એક તરફ ડમી કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે સુરત SOG દ્વારા યુવરાજસિંહના સાળા કાનભાની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG દ્વારા સુરતથી કાનભાની ધરપકડ કરવામાં આવી છે. ડમી કૌભાંડમાં બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં કાનભાના નામનો પણ ઉલ્લેખ થયો હતો. આ વીડિયોમાં કાનભાએ પૈસાનો વહીવટ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
યુવરાજસિંહ બાદ તેમના સાળાની ધરપકડ
ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી. ત્યારે હવે યુવરાજસિંહ બાદ તેમના સાળા કાનભાની પણ ધરપકડ કરવામાં આવી છે.
યુવરાજસિંહના સાળા સામે પણ થઇ છે પોલીસ ફરિયાદ
ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.
યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…