
Ahmedabad : નારોલમાં ફરી એકવાર સ્કૂલ રિક્ષા (school rickshaw) પલટવાની ઘટના સામે આવી છે. રિક્ષા બાદ પાછળ આવી રહેલ બાઈક ચાલક પણ કીચડમાં પડ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી અને બાઈક સવાર તેમજ સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો.
4 દિવસ પહેલા નારોલમાં જ એક સ્કૂલ રિક્ષા પલટી હતી ત્યારે કોર્પોરેશન દ્વારા રસ્તાનું હજુ પણ યોગ્ય રિપેરીંગ ન કરાતા વધુ એક સ્કૂલ રિક્ષા પલટવાની ઘટના સામે આવતા કોર્પોરેશન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. રસ્તો કામચલાઉ સરખો કરવામાં પણ કોર્પોરેશનની નિષ્ક્રિયતા જોવા મળી છે. 4 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે, છતાં રસ્તાની મરામત ન કરાતાં લોકો રોષે ભરાયા છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રસ્તા બાબતે ફરિયાદ કરાઈ છે. તેમ છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી.
અમદાવાદના હાઈફાઈ નામથી ઓળખાતા રસ્તા પર રિક્ષા પલટવાની ઘટના સામે આવી છે, રસ્તાનું નામ છે એવો જ રસ્તો હોત તો કદાચ 4 દિવસમાં સ્કૂલ રિક્ષા પલટવાની ઘટના ના બની હોત. નામ હાઈફાઈ, પરંતુ રસ્તો એકદમ ખખડધજ હાલતમાં છે. જેના કારણે અકસ્માત સર્જાય છે.
નારોલ વિસ્તારના હાઇફાઈ ચાર રસ્તા પાસે 4 દિવસ પહેલા જ સ્કૂલ રિક્ષા પલટવાની ઘટના બની હતી. શાળાએ જઈ રહેલ બાળકો સાથેની રિક્ષા પલટી જતા તમામ બાળકો કીચડમાં પડ્યા હતા. સદનસીબે બાળકોને મોટી ઇજા પહોંચી ન હતી. જોકે, રસ્તા ખરાબ હોવાના કારણે લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં આવતું ન હોવાથી અકસ્માત સર્જાતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.
સ્કૂલ રિક્ષા પલટવાની ઘટના બાદ કોંગ્રેસે બિસ્માર રોડ પર પુરાણ કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો હાઈફાઈ ચાર રસ્તા પર ટ્રેક્ટર, તગારા અને પાવડા સાથે પહોંચ્યા હતા અને કાદવ કિચડ રોડ પર પુરાણની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બાદ તંત્ર ન જાગ્યું તો કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ રસ્તાનું પુરાણ કરી લોકોને સુવિધા આપવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:27 pm, Mon, 21 August 23