Breaking News : ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પર પ્રતિબંધ, આ વાતનો સંચાલકોમાં રોષ, રાજકીય એજન્ડાના આરોપ, જુઓ Video
ઠાકોર સમાજ દ્વારા લગ્નોમાં ડીજે પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ડીજે સંચાલકોમાં ભારે રોષ છે. પાટણમાં મળેલી બેઠકમાં તેમણે આર્થિક નુકસાન અને રાજકીય એજન્ડાનો આરોપ લગાવી વિરોધ નોંધાવ્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે આ નિર્ણયને સમગ્ર સમાજનો ગણાવ્યો છે, જ્યારે દારૂ વેચવાની ડીજે સંચાલકોની ચીમકીને પોલીસ સામેનો પડકાર

ગુજરાતમાં સામાજિક સુધારાના ભાગરૂપે વિવિધ સમાજો દ્વારા લગ્નો સહિતના પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે આ નિર્ણયથી ઠાકોર સમાજના જ હજારો ડીજે સંચાલકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે આ મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે.
આ પ્રતિબંધની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાના ડીજે સંચાલકો પર પડી છે, જ્યાં તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પોતાના ધંધા પર પડેલી આ ગંભીર અસરને લઈને ડીજે સાઉન્ડ સંચાલકો દ્વારા પાટણ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા લેવાયેલા ડીજે પ્રતિબંધના નિર્ણયનો સર્વાનુમતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ડીજે સંચાલકોએ આ મુદ્દે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે લગ્નપ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પાછળ કોઈ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો છે. વધુમાં તેમણે ધ્યાન દોર્યું હતું કે ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા મોટાભાગના લોકો ઠાકોર સમાજના જ છે, ત્યારે આ નિર્ણયથી સમાજને જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કેટલાક સંચાલકોએ તો હતાશામાં આવીને એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમને ડીજેનો ધંધો છોડવો પડશે, તો તેમને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વળવું પડશે કારણ કે તેમનો ગુજરાન ચલાવવાનો કોઈ વિકલ્પ નથી. તેઓએ આર્થિક રીતે ટકી રહેવાના પ્રશ્નો ઉઠાવ્યા છે.
ડીજે સંચાલકોની દલીલ છે કે ડીજેનો ખર્ચો બિનજરૂરી નથી અને તે કોઈ મોટો ખર્ચો પણ નથી. 2,500 થી 5,000 રૂપિયાના ખર્ચે ડીજે ગરીબ પરિવારોને પણ લગ્નપ્રસંગમાં આનંદ માણી શકે છે. તેમણે આ મુદ્દે સમાજના અગ્રણીઓને સમજાવવાનો પ્રયાસ કરવાની અને જો તેમની વાત નહીં મનાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી છે.
આ સમગ્ર વિવાદ પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ડીજે પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નહીં, પરંતુ સમગ્ર ઠાકોર સમાજનો સામૂહિક નિર્ણય છે. ડીજે સંચાલકો દ્વારા દારૂ વેચવાની ચીમકીને તેમણે ગંભીરતાથી લીધી હતી. ગેનીબેન ઠાકોરે આ ચીમકીને પોલીસ સામેનો સીધો પડકાર અને સમાજના આગેવાનો પર બ્લેકમેઇલિંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ વેચવાની વાત કેવી રીતે કરી શકે અને જો આવા નિવેદનો અપાય તો પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શું પગલાં લેવા જોઈએ તે પણ તપાસવું જોઈએ.
ઠાકોર સમાજમાં ડીજે પ્રતિબંધનો મુદ્દો માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય સ્તરે પણ ગરમાવો લાવી રહ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
