Botad: ડમરૂ અને ત્રિશૂળ ધારણ કરીને શિવજીના દિવ્ય શણગારમાં જોવા મળ્યા કષ્ટભંજન દેવ
આજે મહાશિવરાત્રી પવિત્ર દિવસે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાને શિવ અને ત્રિશુલ, ડમરુ સહિતનો અદભૂત શણગાર કરી શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મહાશિવરાત્રી અને શનિવારના પાવન પર્વે સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. દર શનિવારે દાદાને અવનવા શણગાર કરાતા હોય છે ત્યારે આજે શિવરાત્રીના દિવસે હનુમાનજીને શિવજીના શણગાર કરવામાં આવ્યા હતા. આજે મહાશિવરાત્રી પવિત્ર દિવસે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાને શિવ અને ત્રિશુલ, ડમરુ સહિતનો અદભૂત શણગાર કરી શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દર શનિવારે મોટી સંખ્યામાં ઉમટે છે ભક્તજનો
બોટાદ કષ્ટભંજન દેવ મંદિર ખાતે દર શનિવારે દાદાને ફળ, ફૂલ, કંઠી, ચોકલેટ જેવી વિવિધ વસ્તુઓ દ્વારા અવનવા શણગાર કરવામાં આવે છે. આ શણગારના દર્શન કરવા માટે દર શનિવારે ભાવિક ભક્તો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે.
આસો વદ પાંચમે થઈ હતી મંદિરની સ્થાપના
વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી સ્થાપના
લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.
આમ કહીને તેમણે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.