Breaking News : 5 વાગે યોજાશે ભાજપની ધારાસભ્ય દળની બેઠક, લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂ કરી કવાયત
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
આજે 5 વાગે ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં 26 લોકસભાની બેઠકમાં આવતી વિધાનસભા અંગે ચર્ચા કરાશે.
લોકસભાની ચૂંટણી જીતવા માટે અત્યારથી કવાયત
ગાંધીનગરમાં આજે ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે. ભાજપે લોકસભાની ચૂંટણીને લઇને હવે કમર કસી લીધી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપનું વર્ચસ્વ ટકાવી રાખવા ભાજપ અત્યારથી જ કામે લાગી ગઇ છે. ત્યારે ધારાસભ્યોની બેઠકમાં પણ લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાં જે વિધાનસભા બેઠક આવે છે ત્યાંના ધારાસભ્યો સાથે વિસ્તારને લઇને ચર્ચા કરવામાં આવશે.
ધારાસભ્યોને પણ આપવામાં આવી શકે છે લક્ષ્યાંક
મંગળવારે દિલ્હીમાં ભાજપના સાંસદોની એક બેઠક યોજાઇ હતી. સાથે જ વડાપ્રધાનના નિવાસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદોને લોકસભા બેઠકો મજબૂત કરવા માટે કેટલાક લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા. ત્યારે હવે આ બેઠકમાં ધારાસભ્યોને પણ આ જ પ્રકારે લક્ષ્યાંક આપવામાં આવી શકે છે.
26 લોકસભાની બેઠકમાં આવતી વિધાનસભા અંગે ચર્ચા કરાશે
આ બેઠકમાં 26 લોકસભાની બેઠકમાં આવતી વિધાનસભા અંગે ચર્ચા કરાશે. સાથે જ વિધાનસભા દીઠ માઇનસ બુથ પર પણ ચર્ચા કરવામાં આવશે. બુથ સશક્તિકરણ તથા શક્તિ કેન્દ્રો પર ભાર મુકવામાં આવશે. જીતેલી 156 બેઠકોમાં પણ નબળા બુથ અંગે ચર્ચા થશે. ભાજપે ગુમાવેલી 22થી વધુ બેઠકો માટે અલગ પ્લાન બનાવાશે.
સરકારના પ્રભારી મંત્રીઓને વધુ જવાબદારીઓ સોંપવામાં આવશે
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરવા માટે કાર્યક્રમ ઘડવામાં આવશે. સાથે જ સરકારના પ્રભારી મંત્રીઓને વધુ જવાબદારીઓ સોંપવામાં આવશે. સાંસદોના પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
મહત્વનું છે કે 2024ની ચૂંટણીમાં ભાજપ હેટ્રીક મારી ફરી એક વખત સત્તાના સિંહાસન સુધી પહોંચવા માગે છે. બીજી તરફ 2023ની 9 વિધાનસભાની ચૂંટણી 2024 લોકસભા પહેલાની સેમી ફાઇનલ સાબિત થશે. કર્ણાટક બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચાર રાજ્યોમાં લોકસભાની 93 બેઠકો છે. ભાજપે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 86 અને 2014માં 79 બેઠકો જીતી હતી.