સુરખાબ પક્ષીઓ ભાવનગરને આંગણે બન્યા મહેમાન, પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી

સુરખાબ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે હંસ.

સુરખાબ પક્ષીઓ ભાવનગરને આંગણે બન્યા મહેમાન, પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી
Surkhab birds became guests in the courtyard of Bhavnagar

સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી છે.જેને સ્થાનિક ભાષામાં બળા કે હંસના નામે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે હંસ.

વરસાદની ખેંચાયેલી સ્થિતિમાં ભાવનગરના એરપોર્ટ રોડ કે બંદર વિસ્તાર તરીકે ઓળખાતા ખાર વિસ્તારમાં અત્યારે પાણીના ખાડા- ખાબોચિયા ભરાયેલાં છે. જે સુરખાબના રહેણાંક અને માળો બનાવવાં માટે ખૂબ અનુકૂળ હોય છે. તેથી ભાવનગરના ખાર વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં સુરખાબ જોવાં મળી રહ્યાં છે.

તેની ગરદન ડ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેઓ સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટા સુરખાબની ઉંચાઈ ૧૩૫ સેમી. સુધીની હોય છે ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનું શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે તેવું હોય છે.

આખું શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ડાઘ, ઉડે ત્યારે પાંખો ગુલાબી અને કાળા રંગની આંખો તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કદમાં નર-માદા સરખાં જોવાં મળે છે. નાનો હંસ લગભગ 90 થી 105 સેમી. ઉંચાઈ ધરાવે છે. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંસના પ્રમાણમાં નાના હંસની ડોક ટૂંકી અને થોડી જાડી હોય છે. તેના પગ પણ મોટા હંસ કરતા ટૂંકા હોય છે. ચાંચ ઘેરી, ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા દેખાવમાં સરખાં જણાય છે. સુરખાબ તેમનાં રહેઠાણો મોટા તળાવો, દરિયાકિનારાના કાદવ કે પાણીવાળાં વિસ્તારોમાં જોવાં મળે છે.

ભાવનગરનો ખાર વિસ્તાર આવી જ આબોહવા અને ભૂસ્તરીય રચના ધરાવતો હોવાથી અહીં આ બંન્ને પ્રકારના એટલે કે નાના સુરખાબ અને મોટા સુરખાબ હાલમાં જોવાં મળી રહ્યાં છે. આ પ્રકારના અલભ્ય પક્ષીઓ ભાવનગરના આંગણે જોઈને ભાવનગરના પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી છવાઇ છે.

 

આ પણ વાંચો : Vadodara : ડભોઈના ભીમપુરા ગામમાં મધ્યાહન ભોજન માટે પ્લાસ્ટિકના ચોખા ? વાલીઓનો આક્ષેપ

Click on your DTH Provider to Add TV9 Gujarati