Death : ગુજરાતી લોકસંગીતના લોકગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું અવસાન
આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા
આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા.ઉલ્લેખનીય છે કે દીનાબહેને હેમુ ગઢવીના આકાશવાણી રાજકોટના શરૂઆતના મોટાભાગના સર્જનોમા ગીતો ગાયાં છે. કવળાં સાસરિયાં, જેસલ તોરલ , દાસી જીવણ, વિગેરે સંગીતિકાઓ માં દીનાબહેને સ્વર આપ્યો છે.
દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા ગીતો આજે પણ સંભળાય છે
આ ઉપરાંત HMV માં હેમુ ગઢવી ના અતિ લોકપ્રિય થયેલાં આલ્બમ “સ્મરણાંજલિ” માં સોનાવાટકડી રે કેસર ઘોળ્યા, સવા બશેર નું મારું દાતરડું, પેલા પેલા જુગ માં રાણી, કચ્છ માં અંજાર મોટા શેર છે, મોરબી ની વાણીયણ મચ્છુ પાણી જાય જેવા યાદગાર ગીતો દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા. જે આજે પણ સંભળાય છે.
દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો
દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો. તેઓ એ વિનયન માં સ્નાતક અને અનુસ્નાતક ની ડીગ્રી પચાસ ના દાયકા માં મેળવેલી. લોક સંગીતનું શિક્ષણ તેઓ એ આકાશવાણી રાજકોટ ખાતે હેમુભાઈ પાસે થી મેળવ્યું અને બિલકુલ સોરઠી મિજાજ માં અદભૂત લોકગીતો, ભજનો, કથાગીતો ગયેલાં. સન 1955 થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યા.
તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા
ત્યારબાદ એ સમયનાં રાજકોટ પોલીટેકનિક ના અધ્યાપક એવા તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા. આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર તેમણે ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિ નું પ્રશંશનીય કામ કર્યું. નિવૃત્તિ બાદ થોડો સમય દિલ્હી માં રહ્યાબદ આ યુગલ અમદાવાદ સ્થાયી થયું હતું.એમના પતિ નું અવસાન 2016 માં થયા બાદ તેઓ એકલપંડે ખૂબ આત્મવિશ્વાસ થી રહેતાં.
અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રોએ આપી
દીના બહેન નિસંતાન હતાં. પરંતુ હેમુભાઈના સંતાનોને તેઓ કાયમ પોતીકાં માનતા અને હેમૂગઢવી પરિવાર ના તમામ સારા-માઠા પ્રસંગે અચૂક હાજરી આપતાં . સન 2015 માંહેનું ગઢવી ની 50 મી પુણ્યતિથી ના અવસરે એમણે લોકસંગીત માં આપેલ યોગદાન બદલ તેઓ નું હેમુ ગઢવી પરિવાર દ્વારા સન્માન કરવા મનાવેલું. ઋણાનુબંધનો આ સિલસિલો ત્યાં સુધી રહ્યો કે એમને અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રો એ આપી.
લોકસંગીતના આ દિગ્ગજ ગાયિકાની ગરવાઈ આભને આંબે તેવી હતી . હેમુગઢવી નાં અવસાન બાદ તેમણે ગાયન ક્ષેત્ર છોડી દીધું હતું અને પછી ક્યારેય ગાયું ન હતું.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં જંત્રીના ભાવ બમણા કરાતા સુરત બિલ્ડર એસોસિએશનનો વિરોધ, સીએમને રજૂઆત કરાશે