ભાવનગર: ડુંગળીના ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા મોટો આર્થિક ફટકો, યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતો પાયમાલ
ડુંગળીનું હબ ગણાતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. પરંતુ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ભારે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દોઢ મહિના પહેલા જે ડુંગળી 800 રૂપિયે મણ મળતી હતી તે હવે 80 રૂપિયે 20 કિલો મળી રહી છે
ભાવનગર જિલ્લામાં આ વર્ષે પણ ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. અને હાલમાં ડુંગળીની આવકની સિઝન હોવાથી ભાવનગર જિલ્લાના માર્કેટિંગયાર્ડ ડુંગળી થી છલકાઈ રહ્યા છે. ગઈ કાલે ભાવનગર માર્કેટિંગયાર્ડમાં રેકોર્ડબ્રેક ડુંગળીની આવક થવા પામેલ છે. પરંતુ ખેડૂતો માટે કમનસીબીની વાત એ છે કે, ડુંગળીની જેમ જેમ આવકમાં વધારો થતો જાય છે તેમ તેમ ડુંગળીના ભાવ તળિયે જતા જાય છે. નિકસબંધીના લીધે અને અન્ય રાજ્યમાં ડુંગળીની ઓછી માંગના કારણે ડુંગળીની આવક વધવા છતાં ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતોને આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. તળાજા, મહુવા સહિત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા બહુ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ભાવનગર જિલ્લાની ડુંગળીની કવોલિટી પણ ખૂબ સારી હોવાથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગર જિલ્લાની ડુંગળીની ખૂબ મોટી માંગ રહે છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ભાવનગર, મહુવા અને તળાજાના માર્કેટિંગયાર્ડ ડુંગળીથી છલકાઈ રહ્યા છે. ત્યારે આજથી દોઢ મહિના પહેલા જે ડુંગળી 20 કિલો 800 રૂપિયા માં મળતી હતી બજારમાં ડુંગળીનો મબલખ પાક આવતા આજે 80 રૂપિયામાં 20 કિલો મળી રહી છે.
ગઈ કાલે ભાવનગર એક જ યાર્ડમાં 2.75 લાખ ગુણી ડુંગળીનું આવક થઈ છે. ત્યારે આજે 100 રૂપિયાથી લઈને 225 રૂપિયામાં 20 કિલો ડુંગળી ભાવનગર યાર્ડમાં હરરાજીમાં વેચાઈ છે. જોકે હાલમાં આ ડુંગળીનો નિકાલના થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં લાવવા પર મનાઈ કરવામાં આવી છે. કારણકે યાર્ડમાં હાલમાં ડુંગળી મુકવા માટે પણ જગ્યા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે.
ડુંગળીના ઉત્પાદનના ભાવ હાલમાં ખેડૂતોને નથી મળી રહ્યા અને ડુંગળીની પડતર કિંમત પણ નથી મળી રહી, તેની પાછળનું મુખ્ય કારણ જો કાઈ હોય તો તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી નિકાસબંધીના કારણે ડુંગળી અન્ય દેશોમાં જવાની બંધ થવાના લીધે ડુંગળી ની ડિમાન્ડ ઘટી છે. બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન ગુજરાત અને અન્ય રાજ્યમાં મોટા પ્રમાણમાં થયેલુ હોવાથી ડુંગળીની માંગ હોવા છતાં નિકાસ ન થતી હોવાના લીધે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી,
બીજી તરફ હાલની જ વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ અને ધુમ્મસનું પ્રમાણ હોવાના લીધે ટ્રાન્સપોટરો ડુંગળી લઈ જતા નથી અને વેપારીઓ પણ રસ્તામાં ડુંગળી જો પડી રે તો બગડી જવાના ભયથી અન્ય રાજ્યમાં પણ છેલ્લા બે ચાર દિવસથી ડુંગળીની માંગ માંગ ઘટી છે.
બીજી તરફ ડુંગળીની આવક સતત વધવાને લઈને ભાવ નીચા જઈ રહ્યા છે. આ સમયે ખેડૂતોને ટેકાના ભાવ મળે, ખેડૂતોને નિકાસ થાય ડુંગળીની અને સારા ભાવ મળે તેની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. કાયમ ખેડૂતોના વિકાસની વાત કરનારા નેતાઓ હાલમાં કોઈ પણ પ્રકારની જવાબદારીપૂર્વક ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આગળ આવી રહ્યા નથી. જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને ફેંકી દેવાના ભાવે ડુંગળી વેચી દેવાનો વારો આવ્યો છે.
હાલમાં ડુંગળીનું વાવેતર, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખૂબ જ વધારે હોવાથી ડુંગળીની પડતર ખૂબ ઊંચી છે જ્યારે વેચાણ ખૂબ નીચું છે. જેને લઈને ખેડૂતોને બહુ મોટો ડુંગળીના પાકમાં આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ ડુંગળીની આવક આવનારા દિવસોમાં હજુ વધવાની શક્યતાઓ છે ત્યારે 50 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેચાશે તે દિવસ દૂર નથી.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો