ભાવનગરમાં હવે રોડની ગુણવત્તાની ચકાસણી માટે આધુનિક લેબ બનાવવામાં આવશે
રોડ માટે બનાવેલી કમિટી દ્વારા અધિકારીઓને સ્થાનિક નગરસેવકોને સાથે રાખી ગેરેન્ટી પિરિયડ વાળા 400 થી વધુ રોડ અને આ ખખડધજ રોડને લઇને આવેલી 400 થી વધારે ફરિયાદોની રોડની સ્થળ તપાસ કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
BHAVNAGAR : ભાવનગર શહેરમાં ચોમાસામાં મોટાભાગના રોડની નબળી ગુણવત્તા બહાર આવી ગઈ હતી અને ખખડધજ રોડને કારણે શહેરીજનો પણ હેરાન-પરેશાન થઈ ગયા હતા, જે વાસ્તવિકતા સ્થિતિનો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ પણ સ્વીકાર કર્યો હતો. રોડ માટે બનાવેલી કમિટી દ્વારા અધિકારીઓને સ્થાનિક નગરસેવકોને સાથે રાખી ગેરેન્ટી પિરિયડ વાળા 400 થી વધુ રોડ અને આ ખખડધજ રોડને લઇને આવેલી 400 થી વધારે ફરિયાદોની રોડની સ્થળ તપાસ કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
સ્થળ પર જો નબળી ગુણવત્તા લાગે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં પણ ભરાશે અને રોડના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની પોતાની લેબની પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આયોજન કરાયું છે. ભાવનગર શહેરમાં ખખડધજ રોડ અને ખાડાઓને લઇને શહેરની પ્રજા ભારે પરેશાન થઈ ગઈ છે. ત્યારે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિરૂદ્ધમાં શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
બે દિવસ પહેલા મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડની ગુણવત્તાને લઈને ભારે પ્રશ્નો ઉભા થવા પામ્યા હતા. જેને લઈને આગામી દિવસોમાં કોર્પોરેશનની પોતાના રોડના ટેસ્ટિંગ માટેની લેબ સુવિધા ઉભી કરવા પણ વિચારણા કરી હતી, તદુપરાંત રોડની ગુણવત્તા જાળવવા માટે ચેરમેન ધીરુભાઈ ધામેલીયા ઉચ્ચા સ્કેલની એજન્સીઓને પસંદગી કરવા વિભાગને સૂચના આપી હતી.
ભાવનગર મહાનરપાલિકા હાલમાં ચોમાસામાં ખાડાનગર બનેલા ભાવનગરને લઇને ભારે બદનામ થઈ છે ત્યારે માત્ર લોકોને ઠાલા વચનો આપીને નહી, પણ રોડ રસ્તા ની ક્વોલિટી સુધરે નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને કામ ન આપવામાં આવે અને સાથે આધુનિક લેબ બનાવી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર રોડ વિભાગમાંથી બંધ કરવામાં આવે તો સામાન્ય વરસાદમાં પડતાં ખાડા ભારે વરસાદ માં પણ ના પડે.
આ અંગે વિપક્ષ ને પૂછતા તેમણે જણાવેલ કે ભાજપના શાસકો દ્વારા આ ખોટી વાર્તા છે. આટલા ખાડા પડ્યા છે શહેરમાં, છતાં નિરક્ષણ શેનું કરવાનુ? જે કોન્ટ્રાકટર દ્વારા ખરાબ કામ કરવામાં આવેલ છે તે તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવામાં આવે. ભાવનગરમાં બનતા રોડ મનપા માટે ભ્રષ્ટાચારનું મુખ્ય સ્ત્રોત બની ગયું છે. કોર્પોરેશનના ભાજપના શાસકોને હવે છેક જ્ઞાન આવ્યું કે રોડના ચેકીંગ કરવાના લેબ બનાવવી, તો અત્યાર સુધી કરોડોના ખરાબ કામ થયા તેનું શું ?
આ પણ વાંચો : કચ્છના બન્ની વિસ્તારમાં ફરી દેખાશે ઘાસના મેદાન, વનવિભાગે NGTના આદેશ બાદ દબાણો દુર કર્યા
આ પણ વાંચો : PM MODIના આગમનને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ રહેશે