કચ્છના બન્ની વિસ્તારમાં ફરી દેખાશે ઘાસના મેદાન, વનવિભાગે NGTના આદેશ બાદ દબાણો દુર કર્યા
NGTએ બન્ની વિસ્તારમાં થયેલા દબાણોનુ સર્વે કરી તેને દુર કરવા માટેનું હુકમ કર્યા બાદ હાલ 2700 હેક્ટર વિસ્તારમાં થયેલુ દબાણ દુર કરાયુ છે.
KUTCH : કચ્છનો બન્ની વનપ્રદેશ વિશેષ છે. કચ્છમાં સૌથી વધુ પશુઓ આ વિસ્તારમાં છે અને તેના વિશેષ ઘાસીયા મેદાન અને પારંપરિક પશુપાલન બન્ની વિસ્તારની ઓળખ છે. રણપ્રદેશ હોવા છતા અહી પશુપાલકોએ દુધ ક્રાન્તિ સર્જી છે. જો કે છેલ્લા એક દાયકામાં બન્નીના ખાસ ઘાસીયા મેદાન લુ્પ્ત થઇ રહ્યા હતા અને તેનું એક કારણ ચરિયાણ માટે ખુલ્લી જમીનો પર થયેલા દબાઓ હતો. જેમાં ક્યાક ખેતી થતી હતી તો ક્યાક વ્યાવસયિક રીતે જમીનનો ઉપયોગ થવા લાગ્યો હતો.
જો કે 2018થી આ મુદ્દે કચ્છ બન્ની માલધારી સંગઠને NGTમાં ફરીયાદ કરી હતી અને જમીન પર દબાણો દુર કરવા સાથે અહીના રહેવાસીને મળવાપાત્ર મુળભુત હક્કોની વાત કરી હતી. જેમાં NGTએ બન્ની વિસ્તારમાં થયેલા દબાણોનુ સર્વે કરી તેને દુર કરવા માટેનું હુકમ કર્યા બાદ હાલ 2700 હેક્ટર વિસ્તારમાં થયેલુ દબાણ દુર કરાયુ છે. જો કે સપ્ટેમ્બર અંત સુધીમાં તમામ 8000 હેક્ટરમાં થયેલુ દબાણ દુર કરાશે તેવુ વનવિભાગ બન્નીના DCF એમ.યુ.જાડેજાએ જણાવ્યું હતું.
કચ્છમાં અને તેમાય બન્ની વિસ્તારમાં પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. અહીના ઘાસની વિશેષતાઓને લઇને પશુઓની સારી ઓલાદો લાખો રૂપીયામાં વહેંચાય છે. જો કે પાછલા વર્ષોમાં પશુઓના ચરિયાણ માટે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. કેમકે ઠેરઠેર વાડાઓ ઉભા કરી ખેતી તથા અન્ય પ્રવૃતિઓ શરૂ થઇ હતી.ભીરંડીયારાથી લઇ બન્નીની કુલ 19 ગ્રામ પંચાયતો અને 55 ગામ અને વાંઢ વિસ્તારમાં આ દબાણો થયા હતા. જેનુ સર્વે કરતા કુલ 8,760 હેક્ટરમાં દબાણો થયાનુ સામે આવ્યા બાદ કલેકટરની અધ્યક્ષતામાં એક કમિતી બન્ની હતી અને વનવિભાગે અલગ-અલગ ટીમો બનાવી દબાણ હટાવવાનુ મહાઅભિયાન શરૂ કર્યુ હતુ.
હવે દબાણો દુર થઇ જતા ચરિયાણ વિસ્તાર ખુલ્લો બનશે અને વરસાદ સારો પડતા ધાસ પણ સારી માત્રામાં ઉભુ થતા હવે પશુપાલકો માટે પશુઓના ચરિયાણનો મોટો પ્રશ્ર્ન ઉકેલાઇ ગયો છે. કચ્છ બન્ની માલધારી પશુ સંગઠનના આગેવાને દબાણો દુર થતા ખુશી વ્યક્ત કરી બાકી રહેલ દબાણો ઝડપથી દુર કરવાની વાત કરી હતી.
કુદરતી સંપદાથી ભરપુર કચ્છમાં બન્ની વિસ્તાર તેની વિશેષતાઓથી અલગ જ પડે છે. તો વળી બન્નીના ઘાસીયા મેદાનો એક સમયે તેના વિશેષ ઘાસને લઇને પ્રખ્યાત હતા પરંતુ દબાણો થઇ જતા પશુઓને ચરવા માટે પણ મોટી સમસ્યા સર્જાઇ હતી. જે હવે દુર થવા જઇ રહી છે. એક માસમાં તમામ દબાણો દુર થતા બન્નીમાં ફરી ઘાસીયા મેદાન દેખાશે.
આ પણ વાંચો : PM MODIના આગમનને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ રહેશે
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યાં!