ભરૂચ પોલીસનાં આ ત્રણ અધિકારીઓએ ખાખીનો રંગ રાખ્યો, 10 રાઉન્ડ ફાયર સામે તો ન ઝૂક્યા પણ લૂટારૂઓને ઘૂંટણિયે પાડી દીધા
લૂંટારૃઓએ ઝાલાને પણ બંદૂક બતાવી હતી જોકે આમ છતાં તે હિંમત દાખવતા બે થેલા છોડી લૂંટારુ ભાગ્યા હતા જેમાં ૨૨ લાખ રૂપિયા બચાવી લેવામાં સફળતા મળી હતી.
અંકલેશ્વર(Ankleshwar)ની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 44 લાખની દિલધડક લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલો નાખી આરોપીઓને લૂંટની તમામ રકમ સાથે ઝડપી પાડયા છે. અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલા મીરા નગરમાંથી લૂંટારુઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જોકે આ ગુનાનો ભેદ ઉકેલવામાં ત્રણ પોલીસકર્મીઓએ પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ મંડોરા , સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણી અને સાઇબર સેલના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો લૂંટારુઓ સાથે સીધો સામનો થઇ ગયો હતો. ફરાર થવા લૂંટારૃઓએ આ ત્રણેય ઉપર કુલ ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ આ જાંબાઝોએ પીછેહઠ ન કરી સામે ૨ રાઉન્ડ ફાયરિંગ કરી એક લૂંટારુને ઝડપી લેતા આખી ગેંગ ગણતરીના સમયમાં ઝડપાઇ ગઈ હતી.
૪ ઓગસ્ટ બુધવારે સાંજે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટાફ દિવસના કામકાજનો હિસાબ મેળવી ક્લોઝિંગ સ્ટેટમેન્ટ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અચાનક બેંકમાં ૫ બુકાનીધારી પ્રવેશ્યા હતા. પાંચેયના હાથમાં બંદૂક હતી જેમણે ગ્રાહકો અને સ્ટાફને ધક્કામારી એક ખૂણામાં બેસાડી દીધા હતા.ગનપોઇન્ટ ઉપર તમામને ડરાવીને રાખી કેશિયર પાસેના રૂપિયા 44 લાખ ત્રણથી ચાર થેલાઓમાં ભરી ધોળા દા’ડે લોકોને બંદૂકનો ડર દેખાડી બે થી ત્રણ મોટરસાઇકલ ઉપર પલાયન થઇ ગયા હતા. કેટલાક લોકોએ લૂંટારુઓ પાછળ દોડવાની હિંમત કરી પણ તેઓ સફળ રહ્યા ન હતા અને ભરૂચ પોલીસને બેંકમાં લાખોની લૂંટની વારદાતનો કોલ અપાયો હતો. ઘટનામાં નજીકમાં અન્ય એક ગુનાની તપાસ કરી રહેલી પોલીસનો સીધો લૂંટારુઓ સાથે આમનો – સામનો થઇ ગયો હતો જેમાં શૂટઆઉટની ઘટના બની હતી. ત્રણ પોલીસકર્મીઓ ઉપર આડેધડ ફાયરિંગ થયું પણ જાનની પરવાહ કર્યા વગર લૂંટારુંઓનો સામનો કરતા મોટા બ્રેક થ્રુ તરીકે એક લૂંટારુને ફાયરિંગમાં ઈજાગ્રસ્ત કરી ઝડપી પડયો હતો જેની માહિતીના આધારે અન્ય તમામ લૂંટારુઓ અને લૂંટની રકમ મળી આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ PI કરણસિંહ મંડોરાએ તેમના ઉપર આડેધડ ફાયરિંગ કરનાર લૂંટારુને છાતીમાં ગોળી ધરબી દીધી
લૂંટારુઓ લૂંટ કરી ભાગ્ય ત્યારે મહાવીર ટ્રેનિંગ નજીક અન્ય એક ગુનાના કામે વોચમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઉભી હતી. અચાનક પોલીસને સામે જોઈ લૂંટારૃઓએ ફિલ્મી ઢબે ચાલુ મોટરસાઇકલે રાહદારીઓને જીવની પરવાહ કાર્ય વિના પોલીસ ઉપર આડેધડ ફાયરિંગ કરવા માંડ્યું હતું. પોલીસ અધિકારીઓમાં કરણસિંહ મંડોરા અને સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણી રોડની એક તરફ હતા તો સામે સબ ઇન્સ્પેકટર જે એમ ભરવાડ, મિતેષ સકુરિયાં અને જયદીપસિંહ જાદવ હતા. લૂટારૂપના ફાયરિંગના જવાબમાં સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણીએ ફાયરિંગ કર્યું હતું. લૂંટારુની ગોળી પાંચાણીની ખુબ નજીકથી પસાર થઇ હતી.પોલીસના પ્રયત્નો છતાં લૂંટારુઓ અહીંથી રાજપીપલા ચોકડી તરફ ભાગ્યા હતા.
ભરચક વિસ્તારમાં શૂટઆઉટમાં લોકોના જીવને જોખમ ન પહોંચે તે પ્રાથમિકતા રખાઈ હતી.
અધિકારો અલગ – અલગ વાહનોમાં પીછો કરતા રાજપીપલા ચોકડી નજીક લોકોની ભરચક ભીડ વચ્ચે ફરી ૫ લૂંટારુઓ અને પોલીસ આમને – સામને આવી ગયા હતા. અહીં પણ લૂંટારૃઓએ ફાયરિંગ કર્યું હતું. એક લૂંટારુ રિક્ષામાં સંતાઈને ગોળી મારતો હતો.પોલીસે ગોળીઓની પરવાહ ન કરી PI કરણસિંહ મંડોરા રીક્ષા નજીક પહોંચી ગયા હતા જેમણે પબ્લિક તરફ ગોળી ન જાય તે રીતે રિક્ષામાં ઉપરના ભાગેથી ફાયરિંગ કરી લૂંટારુ રાહુલ સિંગને ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો. આ લૂંટારુને બચાવવા મંડોરા ઉપર ફાયરિંગ કરાયું પણ તે સદનશીબે ઈજાગ્રસ્ત થયા ન હતા. આખરે લૂંટારુઓ એક સાગરીતને છોડી ફરાર થઇ ગયા હતા.
ઝડપાયેલ આરોપી રાહુલસીંગની ATS સહીત ભરૂચ પોલીસે પૂછપરછ કરી હતી જેમાં લૂંટારુ ટોળકી અંગે અગત્યની માહિતીઓ મળી હતી. લૂંટારુઓ પૈકીનો એક સ્થાનિક મીરાંનગરનો હોવાની ચોક્કસ માહિતી મળતાં મોટી ટિમ સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જાતે SP ડો. લીના પાટીલે આ સર્ચ ઓપરેશન લીડ કર્યું હતું. પોલીસ ઉપર ફાયરિંગનો ડર હોવાથી બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસે સર્ચ કર્યું હતું જેમાં એક મકાનના શૌચાલયમાં સંતાયેલા ૪ લૂંટારુ ઝડપાઇ ગયા હતા જેમની પસાઈથી લૂંટની તમામ રકમ પણ કબ્જે કરાઈ હતી.
કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ઝાલાને બંદૂક બતાવી છતાં ઝપાઝપી કરી પૈસા બચાવ્યા
લૂંટારુઓ ત્રણથી ચાર થેલાઓ ભરી ૪૪ લાખ રૂપિયાની યુનિયન બેન્કમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બેન્કના ગેટની ભાર લૂંટારુ નીકળ્યા ત્યારે અહીં સાઇબર ક્રાઇમના કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ઝાલા ઉભા હતા તેમની નજર લૂંટારુઓ પડતા તેમને સામનો કર્યો હતો. લૂંટારૃઓએ ઝાલાને પણ બંદૂક બતાવી હતી જોકે આમ છતાં તે હિંમત દાખવતા બે થેલા છોડી લૂંટારુ ભાગ્યા હતા જેમાં ૨૨ લાખ રૂપિયા બચાવી લેવામાં સફળતા મળી હતી.