Ankleshwar : પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવી 44 લાખની બેંક લૂંટના તમામ આરોપી ઝડપી પાડ્યા, લાખોની મત્તા પણ રિકવર કરાઈ
ઇજાગ્રસ્તની ATS સહીત ભરૂચ પોલીસની ટીમે પૂછપરછ કરી હતી જેમાં તેને પપ્પુ નામના આરોપીનું નામ આપ્યું હતું. લૂંટારુઓનો મુખ્ય સાગરીત અંકલેશ્વર જીઆઈડીસીના મીરાંનગરમાં રહેતો હોવાની તેને માહિતી આપી હતી
અંકલેશ્વર(Ankleshwar)ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ધોળા દા’ડે રૂપિયા 44 લાખની લૂંટ(Robbery in the Union Bank of India) ચલાવનાર ટોળકીને ભરૂચ પોલીસે રાત્રી દરમ્યાન ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન ઝડપી પાડ્યા છે. મોડીરાતે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મીરાંનગરને ભરૂચ – અંકલેશ્વર ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધમરોળી નાખ્યું હતું. ભરૂચ એસપી ડો. લીના પાટીલ(Dr. Leena Patil – SP Bharuch) જાતે આખી રાત આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા જ્યાં એક મકાનના શૌચાલયમાં સંતાયેલા ૪ લૂંટારૂઓને પોલીસે ૨૦ લાખ રૂપિયાથી વધુ રકમના લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ગુનામાં તમામ ૫ આરોપીઓ અને લૂંટમાં ગયેલો રૂપિયા ૪૪ લાખનો તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે.
અંકલેશ્વરની યુનિયન બેંકમાં લૂંટની ઘટનામાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે, જુઓ લૂંટની વારદાત Live
પપ્પુ નામનો શખ્શ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો
આરોપીઓ પૈકી પપ્પુ નામનો શખ્શ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો. ૫ લૂંટારુઓ પૈકી એક સ્થાનિક હતો જેણે લૂંટ કરવા માટે બિહારથી ગુનેગારોને અંકલેશ્વર બોલાવ્યા હતા. બેન્ક બંધ થવાના સમયે બેંકમાં ઘુસી લૂંટારૃઓએ દેશી તમંચાઓની નોક ઉપર કર્મચારીઓ અને ગ્રાહકોને બાનમાં લઈ ૪૪ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. રાજપીપળા ચોકડી નજીક બુધવારે રાતે બનેલી ફાયરિંગ દ્વારા હુમલાની ઘટનાના આરોપી માટે પોલીસ વોચમાં હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરા , સબ ઇન્સ્પેકટર મિતેષ સકુરિયાં , સબ ઇન્સ્પેકટર જે એમ ભરવાડ અને સબ ઇન્સ્પેકટર જયદીપસિંહ જાદવ ટીમ સાથે વોચમાં હતા ત્યારે અચાનક લૂંટારુઓ તેમની સામે આવી ગયા હતા. લૂંટારુઓ પોલીસને જોઈ ગભરાયા હતા જેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરતા વળતા જવાબમાં કે ડી મંડોરાએ ફાયરિંગ કરી એક લૂંટારુ રાહુલ રાજકુમારસિંગને ઈજાગ્રસ્ત કરી ઝડપી પડ્યો હતો. અન્ય લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.
ઇજાગ્રસ્તની ATS એ પૂછપરછ કરી હતી
ઇજાગ્રસ્તની ATS સહીત ભરૂચ પોલીસની ટીમે પૂછપરછ કરી હતી જેમાં તેને પપ્પુ નામના આરોપીનું નામ આપ્યું હતું. લૂંટારુઓનો મુખ્ય સાગરીત અંકલેશ્વર જીઆઈડીસીના મીરાંનગરમાં રહેતો હોવાની તેને માહિતી આપી હતી આ માહિતીના પગલે રાતે પોલીસે આખા મીરાંનગરને ધમરોળી નાખ્યું હતું. પોલીસને મોટી સફળતા પણ મળી હતી. એક મકાનના શૌચાલયમાં સંતાયેલા ૪ લૂંટારુઓને પોલીસે ૨૦ લાખથી વધુ રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે આજે મામલાને લઈ ભરૂચ પોલીસ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપશે.