Bull Attack : અંકલેશ્વરમાં આખલાના આતંકના ભયાનક દ્રશ્યો, રૂવાડા ઊભા થઈ જશે, જુઓ Video
અંકલેશ્વરના ગડખોલમાં રખડતા આખલાએ ભારે આતંક મચાવ્યો છે. ઐયપ્પા મંદિર પાસે થયેલા હુમલામાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ હવે જીવલેણ બનતો જઈ રહ્યો છે. ગડખોલ સ્થિત ઐયપ્પા મંદિર પાસે એક મનમસ્ત આખલાએ અચાનક ભારે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત નાજુક હોવાથી તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના ભયાનક દૃશ્યો નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને ગડખોલના ઐયપ્પા મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું. રિક્ષામાંથી નીચે ઉતરતાની સાથે જ એક આખલાએ અચાનક દંપતી પર હુમલો કરી દીધો હતો.
આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર ફેંકી દીધી હતી. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ પર પણ આખલાએ હુમલો કર્યો હતો અને તેમને પણ ઉછાળી દીધા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આખલો જમીન પર પડેલી મહિલાને પગમાં ખૂંદી વારંવાર પ્રહાર કરી રહ્યો હતો, જે દૃશ્યો જોઈ લોકોમાં ભય ફેલાયો હતો.
આ ભયાનક ઘટના જોઈને આસપાસના લોકો અને રસ્તેથી પસાર થતા બાઈકચાલકો દંપતીની મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ આખલાને ભગાડવા માટે તેના પર પાણી ફેંક્યું હતું, પરંતુ તે વધુ હિંસક બની ગયો હતો. ત્યારબાદ લોકોએ લાકડીઓ વડે તેને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખલો ડરવાને બદલે લોકોની પાછળ દોડી-દોડીને હુમલા કરતો રહ્યો હતો.
લગભગ 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો. આ દરમિયાન કુલ 5 લોકોને તેણે અડફેટે લીધા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સ્થાનિક તંત્ર સામે રખડતાં ઢોરની સમસ્યા અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો દ્વારા રખડતાં ઢોર પર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
ગુજરાતના અમીર સાંસદ કોણ, 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત, જાણવા માટે અહીં ક્લિક કરો..
