ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ 213 બેઠકો બિનહરીફ વિજેતા, જાણો કેટલી બેઠક પર યોજાશે ચૂંટણી
નગરપાલિકા, મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા.

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી EVM દ્વારા મતદાન થશે. જ્યારે 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ 38લાખ 86હજાર 285મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા
નગરપાલિકા, મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ 5,775 ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો હાલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.
મહાનગરપાલિકાની કેટલી બેઠક બિનહરીફ
જૂનાગઢ મનપાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બિનહરીફ છે. અમદાવાદ મનપાની વોર્ડ નં-7ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાવનગર મનપાની વોર્ડ નં-3ની બેઠક માટે પેટાચૂંટણી છે. સુરત મનપાની વોર્ડ નં-18ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.
નગરપાલિકાની ચૂંટણી
66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થયા છે. કુલ 1,677 બેઠકો પર ચૂંટણી યોજાશે. પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાનમાં છે.