બનાસકાંઠા (Banaskantha) જિલ્લા વહીવટીતંત્ર અને સદભાવના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પાલનપુર વૃદ્ધાશ્રમ (Palanpur Old Age Home) ખાતે કલેક્ટર આનંદ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ (Ayushman Card)નું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં 85 વડીલોને વૃદ્ધ પેન્શન સહાય અને આરોગ્યના લાભો અપાયા.
આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મેડીકલ સહાય સરકાર દ્વારા માન્ય હોસ્પિટલમાં મળી શકે છે. આ યોજના દ્વારા જે સુવિધા સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવા તમામ સેવાઓ અને રોગોની સારવાર આ કાર્ડ દ્વારા સરકારે માન્ય કરેલી ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા વૃદ્ધાશ્રમના 85 વડીલોને પણ આ યોજનાનો લાભ મળે તે હેતુથી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12માં હાથ ધરાયેલા સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે. એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે છે. ગુજરાતના 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળે છે.
આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે સદ્દભાવના ગ્રુપ, પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવાના ભાવ સાથે સદભાવના ગ્રુપ દ્વારા વડીલોની ખુબ સરસ કાળજી લેવામાં આવે છે. આવા સેવાકાર્યો પૂણ્યશાળી લોકો દ્વારા જ કરવામાં આવતા હોય છે. કલેકટરે વડીલોના દર્શન કરી તેમને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અર્પણ કરતા નિરોગી સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સદભાવના ગ્રુપ પાલનપુરના ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડીલોના આશીર્વાદથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આગલા જન્મનાં ઋણાનુબંધના કારણે વડીલોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે વડીલો માટે તીર્થયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વડીલોના આશીર્વાદ સદાય અમારા પર વરસતા રહે તેવી માતાજીને પ્રાર્થના કરુ છુ.
આ પણ વાંચો- Mehsana: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવોમાં તેજી, ચાર માસમાં જ જીરાનો ભાવ બેગણો થયો
આ પણ વાંચો- PSIની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીઓ પોલીસ સકંજામાં, આ રીતે પડાવતા હતા પૈસા