Banaskantha: સુંઢા અને સલેમપુર ગામમાં રહેણાક પ્લોટ ફાળવણી કૌભાંડ, તલાટી, સરપંચ અને તત્કાલીન ડીડીઓની સંડોવણીના આક્ષેપ
ગામતળના પ્લોટની માત્ર કાગળ પર થયેલી જાહેર હરાજીમાં એક જ પરિવારને સૌથી વધુ પ્લોટની ફાળવણી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તમામ પ્લોટની સનદ રદ્દ કરવા હુકમ કર્યો છે.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પાલનપુર (Palanpur) તાલુકાના સલેમપુરા અને સુંઢા ગામમાં પાંચ – છ વર્ષ અગાઉ કાગળ પર ગામતળમાં પંચાયત (Panchayat) ના પ્લોટની જાહેર હરાજી દર્શાવી ખોટી રીતે પ્લોટ ફાળવણીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પ્લોટ લેનાર 81 જેટલા ખોટા લાભર્થીઓની સનદ રદ્દ કરવાની તજવીજ હાથધરી છે. તેમજ પ્લોટ ફાળવણી કરનારા જે તે સમયના ટીડીઓ અને અન્ય સરકારી કર્મચારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
ગામના સરપંચ અને સરકારી અધિકારીઓ સાથે મળીને પોતાના અંગત લોકોને કાગળ પર જાહેર હરાજી કરી તેમજ સરકારી નીતિનિયમો નેવે મૂકીને પ્લોટ ફાળવણી કરી હોવાની ફરિયાદ થઈ હતી. પાંચ વર્ષ પહેલા પાલનપુર તાલુકાના સલેમપુરા અને સુંઢા ગામમાં 81 જેટલા પ્લોટ ફાળવણીમાં જે તે સમયના ગામના સરપંચ તેમજ તલાટી, ટીડીઓ, અને ક્લાર્ક સાથે મળીને ગામના રહેણાંક પ્લોટની જાહેર હરાજી કાગળ પર બતાવી પ્લોટની ફાળવણીમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016માં પાલનપુર તાલુકાના સલેમપુર ગામમાં 64 જ્યારે સુંઢા ગામમાં ગૌચર જમીનમાં 27 પ્લોટ ખોટી રીતે ફાળવવામાં આવ્યા હતા.
સરપંચ અને સરકારી બાબુઓની સાઠગાંઠમાં જાહેર હરાજી કર્યા વગર તેમજ નગરનિયોજન દ્વારા પ્લોટની અપસેટ કિંમત નક્કી કર્યા વગર બારોબાર પ્લોટ ફાળવણી કરી સનદો આપી દેવામાં આવી હતી. આ પ્લોટમાં થયેલ ગેરીરીતિનો મામલો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે સામે ફરીયાદ થતાં તપાસમાં સલેમપુરા અને સુંઢા ગામમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલા 81 લોકોને નોટિસ ફટકારી હતી. ગામતળના પ્લોટની માત્ર કાગળ પર થયેલી જાહેર હરાજીમાં એક જ પરીવારને સૌથી વઘુ પ્લોટની ફાળવણી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તમામ પ્લોટની સનદ રદ્દ કરવા હુકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોટાપાયે ખોટી રીતે પ્લોટ ફાળવણી કરવામાં આવે છે. જીલ્લા વિકાસ અધિકારી દ્વારા માત્ર બે ગામની પ્લોટ ફાળવણી મામલે જ તપાસ કરવામાં આવી છે. જો અન્ય ગામમાં પણ રાહતના પ્લોટ ફાળવણી મામલે તપાસ કરવામાં આવે તો જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટું રહેણાંક પ્લોટ કૌભાંડ સામે આવે તેવી શકયતા છે.
આ પણ વાંચોઃ આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે
આ પણ વાંચોઃ Jamnagar: પૂરગ્રસ્ત વિસ્તારને સહાય માટે મોટી જાહેરાત પરંતુ હજુ સુધી વળતર ન મળતાં મહિલાઓનો ઘેરાવ