Banaskantha: ખેડૂતોના વીજળીના પ્રશ્નને લઈ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લડી લેવાના મૂડમાં, ઝાંસીની રાણી માફક લડવાની તૈયારી બતાવી
છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.
બનાસકાંઠામાં (Banaskantha) પુરતી વીજળી (Electricity) આપવાની માગ સાથે ખેડૂતો ધરણા (Protest) પર છે. બનાસકાંઠાના ખેડૂતો સરકાર પાસે પૂરતી વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તો ખેડૂતોએ પૂરતી વીજળી આપવાની માગ સાથે શનિવારે બનાસકાંઠાના દિયોદરમાં સજ્જડ બંધ પાળ્યુ હતુ. દિયોદર ગ્રામ પંચાયતના વેપારીઓ અને સ્થાનિક લોકોએ બંધ પાળી ખેડૂતોને સમર્થન આપ્યું છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (MLA Geniben Thakor) મુલાકાત લીધી હતી. ખેડૂતો સાથે આ લડતમાં જોડાવાની તૈયારી બતાવી હતી.
બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રશ્ને ઝાંસીની રાણી માફક લડવાની પણ ગેનીબેને તૈયારી બતાવી હતી. અહીં ગેનીબેન લડાયક મિજાજમાં જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક સમયે કોંગ્રેસની સરકારને પણ ખેડૂતોએ સત્તા પરથી હટાવી હોવાનું ગેનીબેને સ્વીકાર્યું હતું, ત્યારે ભાજપ સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી આપી પોતાનું વચન પૂર્ણ કરે એવી ગેનીબેને માગ કરી હતી.
આ તરફ બનાસકાંઠાના દિયોદરના વખામાં ખેડૂતોના ધરણાંને ધારાસભ્ય શિવા ભૂરિયાએ પણ સમર્થન જાહેર કર્યું છે. શિવા ભૂરિયા પદયાત્રા કરી ધરણાંના સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતોને સમર્થન જાહેર કર્યો હતું. શિવા ભૂરિયાએ હુંકાર કર્યો હતો કે સરકાર ખેડૂતોની વેદના સમજી કોઈ પણ ભોગે પુરતી વીજળી આપે.
મહત્વનું છે કે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ આજથી ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે તો અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી આપવાની પણ ખાતરી આપી છે. સાથે જ ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે તેવુ પણ જણાવ્યુ છે. જો કે બીજી તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.
આ પણ વાંચો Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો- ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર