Banaskantha: રમઝાનમાં હિંદુઓની મહેમાનગતિ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ મંદિરમાં રોજા ખોલ્યા
ડાલવાણા ગામના પ્રસિદ્ધ વારંદા વીર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન (Ramadan)માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ બિરાદરોએ વીર મહારાજના મંદિરે રોઝા ખોલ્યા હતા. તો મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં જ નમાજ (Namaz)અદા કરી હતી.
હાલના સાંપ્રત સમયમાં કોમવાદ, નાત-જાતના નામે વાદવિવાદો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ તાલુકાનું એક ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. તો આ ગામ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે. આ ગામમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન (Ramadan) માસમાં ડાલવાણા ગામના હિંદુ મંદિરોનું (Hindu Temple) સંચાલન કરતા ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને શુક્રવારે સાંજે ગામમાં આવેલા પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોજા ખોલાવવામાં આવ્યા. ગામમાં ચાલી આવતી કોમી એકતાને વધુ મજબૂત બનાવવાનો એક આવરકર દાયક કાર્યક્રમ યોજાયો હતો.
ભાઇચારાનું ઉદાહરણ આપતુ ગામ
હાલમાં કોમવાદ એ એક વોટબેંકનો વિષય બની ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું એવું પણ ગામ છે કે જ્યાં કોમી એકતા વર્ષોથી અકબંધ છે. આ ગામનું નામ ડાલવાણા છે. જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાનની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમ સમાજના તહેવારોમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. આ ગામમાં કોમી એકતાના એવા દર્શન થાય છે કે, લોકો માટે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.
હિંદુ સમુદાય દ્વારા મહેમાનગતિ
આ ગામમાં મોહરમ અને નવરાત્રીનો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવાય છે. માટે જ આ ગામે એક પ્રેરણાદાયી ગામ તરીકેની ઓળખ ઉભી કરી છે. તો ગામમાં ગઇકાલે એટલે કે શુક્રવારે વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ થયો હતો. જેમાં ગામાના હિંદુ મંદિરોના સંચાલન માટે કાર્યરત ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ડાલવાણા ગ્રામપંચાયત સરપંચ ભૂપતસિંહ હડિયોલ દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને ગામના પ્રસિદ્ધ વારંદા વીર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોજા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ બિરાદરોએ વીર મહારાજના મંદિરે રોજા ખોલ્યા હતા. તો મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં જ નમાજ અદા કરી હતી.
આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, સામાજિક અગ્રણી, હયાતખાન બિહારી, અજીતસિંહ હડિયોલ, ગોવિંદભાઇ ચૌધરી, દેવુસિંહ ભાટી, ભગવાનસિંહ સોલંકી, અભેરાજભાઈ ચૌધરી, અમીનખાન બિહારી, કાસમભાઈ સાલેહ, પીરોજપુરા સરપંચ આદિલખાન, હિંમતસિંહ હડિયોલ, બાબુસિંહ રાણા, લાલભાઈ ભોજક, પરબતખાન બિહારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આ પણ વાંચો :Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ
આ પણ વાંચો :Short Movies on OTT: ઓફિસ બ્રેકમાં પણ તમે આ 5 શોર્ટ ફિલ્મો જોઈ શકો છો, તમને મળશે જબરદસ્ત મનોરંજન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-